મારું શહેર

ભટારના 24 વર્ષ જૂના બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને કાયમી તાળાં મારવાની મનપાની તૈયારી

ભટાર વિસ્તારમાં વર્ષોથી કાર્યરત બાયોમેડિકલ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનો હવે સુરત મહાનગરપાલિકા કાયમી વીંટો વાળવાની તૈયારી કરી રહી છે. કન્સેશન કરારની મુદત 31 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અત્યાર સુધી ચાલુ રહેલો આ પ્લાન્ટ હવે બંધ કરવામાં આવશે. પ્લાન્ટ અને તેની મશીનરીનો કબજો મેળવી હરાજી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ મનપાની હોસ્પિટલોમાંથી નીકળતા બાયોમેડિકલ કચરાના નિકાલ માટે નવી ખાનગી એજન્સીને પાંચ વર્ષ માટે કામગીરી સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ભટાર ખાતે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે વર્ષ 2002માં એનવિઝન એન્વાયરો એન્જિનિયર્સને સાત વર્ષ માટે BOOT ધોરણે કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારબાદ કન્સેશનનો સમયગાળો વધારી 14 વર્ષ કરવામાં આવ્યો હતો. કંપનીના નામમાં ફેરફાર થયા બાદ એનક્લેર બાયોમેડિકલ વેસ્ટ પ્રા.લિ. દ્વારા પ્લાન્ટ ચલાવવામાં આવતો હતો. કરાર પૂરો થયા બાદ પણ શહેરના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ ચાલુ રાખવામાં આવ્યો હતો.

જોકે, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની 2025ની ગાઇડલાઇન મુજબ પ્લાન્ટની આસપાસ રહેણાંક અને સંવેદનશીલ વિસ્તારથી પ્રાધાન્યરૂપે 500 મીટરનું અંતર હોવું જોઈએ. ભટારના પ્લાન્ટથી 200 મીટર કે તેથી ઓછા અંતરે રહેણાંક વિસ્તાર હોવાથી અહીં પ્લાન્ટ ચાલુ રાખવો નિયમોની દૃષ્ટિએ યોગ્ય ન હોવાનું મનપાનું માનવું છે.

મનપાની હોસ્પિટલ, હેલ્થ સેન્ટર, ડિસ્પેન્સરી અને લેબોરેટરીમાંથી દરરોજ અંદાજે 815 કિલો બાયોમેડિકલ વેસ્ટ નીકળે છે. તેના નિકાલ માટે સિડની અર્થ પ્રોટેક્ટર્સ અને ગ્લોબ બાયો કેર પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેમાં સિડની અર્થ પ્રોટેક્ટર્સે પ્રતિ કિલો રૂ.35 પ્રોસેસિંગ અને પ્રતિ કિલોમીટર રૂ.15 પરિવહનનો દર આપ્યો છે. સૌથી ઓછો ભાવ હોવાથી આ એજન્સીને પાંચ વર્ષ માટે કામગીરી સોંપવાની દરખાસ્ત છે.

આ વ્યવસ્થા પાછળ વાર્ષિક અંદાજે રૂ.1.18 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. ઉપરાંત પ્રોસેસિંગના દરમાં દર વર્ષે 6 ટકાનો વધારો આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. હવે સ્થાયી સમિતિની મંજૂરી બાદ ભટારનો જૂનો પ્લાન્ટ બંધ કરી નવી એજન્સી મારફતે મનપાની આરોગ્ય સંસ્થાઓના બાયોમેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો