મારો જિલ્લો

વાંકલ મેઈન બજારમાં અતુલ છકડાનું એક્સિલરેટર ચોંટતાં અફરાતફરી

વાંકલ મેઈન બજાર સ્થિત શોપિંગ સેન્ટર નજીક એક અતુલ છકડાનું એક્સિલરેટર અચાનક ચોંટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છકડાના એન્જિનમાં સર્જાયેલી આ યાંત્રિક ખામીને કારણે વાહનમાંથી અસહ્ય ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું, જેના પગલે આખો બજાર વિસ્તાર ધુમાડાના ગોટેગોટાથી છવાઈ ગયો હતો.

​મળતી માહિતી મુજબ ભરચક ગણાતા વાંકલ મેઈન બજારના શોપિંગ સેન્ટર પાસેથી પસાર થઈ રહેલા અતુલ છકડાનું એક્સિલરેટર અચાનક જામ થઈ ગયું હતું. એક્સિલરેટર ચોંટી જવાથી એન્જિન ફૂલ રેસ થઈ ગયું હતું અને સાયલેન્સરમાંથી કાળા-સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.

​અચાનક બનેલી આ ઘટનાને કારણે બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં થોડીવાર માટે ભય અને દોડધામ મચી ગઈ હતી. ધુમાડો એટલો બધો હતો કે આસપાસની દુકાનોમાં પણ ધુમાડો ઘૂસી ગયો હતો અને વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. જોકે સમયસૂચકતા વાપરીને વાહન પર કાબૂ મેળવી લેવાતા કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત ટળ્યો હતો. જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો