મારું શહેર

સુરતને ચકાચક કરવા માટે મનપા દ્વારા એક માસ માટે ડીપકલીન અભિયાન

દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ ગુમાવી સુરત બીજા ક્રમે પહોંચી જતાં મહાનગરપાલિકા તંત્ર હવે સફાઈના મામલે એક્શન મોડમાં આવ્યું છે. શહેરને ફરી સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લાવવા મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલે આજથી એક મહિના માટે વિશેષ સ્વચ્છતા પ્રોગ્રામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન અંતર્ગત તમામ ઝોનમાં ડીપ ક્લીનિંગની કામગીરી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે હવે માત્ર સફાઈ કર્યાનો રિપોર્ટ નહીં, પરંતુ 100 માર્ક્સની માર્કિંગ સિસ્ટમના આધારે દરેક ઝોનની કામગીરીનું મૂલ્યાંકન થશે.

શહેરના જાહેર રસ્તાઓ, ગલીઓ, ફૂટપાથ, ડિવાઈડર, ખુલ્લા પ્લોટ, બ્રિજ નીચેના વિસ્તારો, માર્કેટ અને જાહેર શૌચાલયોમાં સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દરેક ઝોનના ઝોનલ ચીફ, નાયબ આરોગ્ય અધિકારી, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરરોજ કચરો ઉપાડીને કામગીરીના ફોટોગ્રાફ્સ સાથે ઓનલાઇન ફોર્મમાં રિપોર્ટ અપલોડ કરવો પડશે.

સફાઈ દરમિયાન રસ્તા પર ખાડા, તૂટેલા ફૂટપાથ, ખુલ્લી કે ચોકઅપ ગટર, ઢાંકણ વગરના મેનહોલ અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ પણ ફોટોગ્રાફ સાથે ઓનલાઇન નોંધવાની રહેશે. સંબંધિત ઇજનેરી વિભાગે આવી ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવાનો રહેશે.

આ કામગીરીની ચકાસણી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની વિજિલન્સ ટીમ ક્રોસ ચેકિંગ કરશે. ઝોન દ્વારા અપાયેલા રિપોર્ટ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે તફાવત જણાશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. એક જ વોર્ડ કે વિસ્તાર સતત બે વખતની તપાસમાં લાલ રંગમાં આવે તો સંબંધિત અધિકારી-કર્મચારી સામે નિયમાનુસાર પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.

અભિયાનમાં રસ્તાની સફાઈ માટે 75 અને સફાઈ કર્મચારીઓની હાજરી, યુનિફોર્મ, સાધનો સહિતની બાબતો માટે 25 માર્ક્સ ફાળવવામાં આવ્યા છે. આ માર્ક્સના આધારે દરેક ઝોનને લીલો, પીળો કે લાલ રંગ આપવામાં આવશે.

સફાઈની કામગીરી માટે 100 માર્ક્સનું માળખું

તપાસની બાબત અને માર્ક્સ

રસ્તા પર વેરવિખેર કચરો- 8

રસ્તાની કિનારી પર ધૂળ અને માટી- 5

ઝાડુના ઢગલા અને ભરેલી થેલીઓ- 8

ફૂટપાથની સફાઈ- 5

ફૂટપાથ, કિનારી અને ડિવાઈડર પર ઊગેલું ઘાસ- 4

કાચી ધાર, ઝાડના ક્યારા અને વાહનો નીચેની સફાઈ- 4

ડિવાઈડર, સર્કલ અને ફ્લાયઓવર નીચેની સફાઈ- 4

કચરાના ઢગલા (ન્યુસન્સ સ્પોટ)- 9

બાંધકામનો કાટમાળ અને ઝાડ-બગીચાનો કચરો- 4

ખુલ્લા પ્લોટ અને ખૂણાની સફાઈ- 4

વરસાદી પાણીની જાળીઓ- 4

ખુલ્લી ગટર અને નાળાના કિનારા- 2

દીવાલ, ડિવાઈડર અને થાંભલા પર પાન-ગુટખાની પિચકારી- 3

ખુલ્લામાં પેશાબ થતો હોય તેવા સ્થળો- 3

કચરાપેટીની સ્થિતિ- 3

દુકાન અને લારી-ગલ્લા આગળની સફાઈ- 2

ઢોરનું છાણ અને ગંદકી- 3

બીટ પર કર્મચારીઓની હાજરી- 5

યુનિફોર્મ અને સલામતીનાં સાધનો- 3

સફાઈનાં સાધનો- 3

બીટનું કામ પૂર્ણ થયું છે કે નહીં- 5

એકત્રિત કચરાનો યોગ્ય નિકાલ- 4

ફરિયાદો- 3

સુપરવાઈઝરની મુલાકાત- 2

કુલ- 100

માર્ક્સ પ્રમાણે ઝોનને ત્રણ રંગનાં કાર્ડ મળશે

લીલો-85 કે તેથી વધુ માર્ક્સ અને કોઈ ગંભીર બેદરકારી નહીં

પીળો- 65થી 84 માર્ક્સ અને કોઈ ગંભીર બેદરકારી નહીં

લાલ-65થી ઓછા માર્ક્સ અથવા કોઈપણ ગંભીર બેદરકારી

આ ભૂલો થશે તો સીધું રેડકાર્ડ મળશે

વિજિલન્સની ટીમ કરશે ક્રોસ ચેકિંગ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની વિજિલન્સ ટીમ તમામ ઝોનમાં સફાઈની કામગીરીનું અચાનક ક્રોસ ચેકિંગ કરશે. ઝોનના અધિકારીઓએ ઓનલાઇન અપલોડ કરેલા ફોટોગ્રાફ્સ અને રિપોર્ટની સ્થળ પર તપાસ કરવામાં આવશે. ખોટો રિપોર્ટ આપનાર સામે કાર્યવાહી થશે. સતત બે ચેકિંગમાં એક જ વિસ્તાર લાલ રંગમાં આવે તો જવાબદાર અધિકારી-કર્મચારી સામે પણ પગલાં લેવાશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો