વડોદરા :- શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને તેમને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લરોમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બજારમાં શુદ્ધ દૂધમાંથી બનતા આઈસ્ક્રીમના નામે વનસ્પતિ તેલમાંથી બનતા 'ફ્રોઝન ડેઝર્ટ'નું વેચાણ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી તો કરવામાં નથી આવી રહી ને, તે સહિતના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે.
કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો બનાવીને શહેરના ચારેય ઝોનમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરો અને વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે પૂર્વ ઝોનમાં ઐતિહાસિક પાણીગેટ દરવાજા વિસ્તારથી તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં અધિકારીઓએ વિવિધ પાર્લરોમાં જઈને સ્ટોક અને ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વેપારીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી કે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના બોક્સ તેમજ પેકેજિંગ પર ઉત્પાદન સંબંધિત તમામ જરૂરી માહિતી, ઘટકોની વિગતો અને બેચ નંબર સ્પષ્ટ તથા યોગ્ય રીતે દર્શાવવામાં આવે. ગ્રાહકોને પોતે આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છે કે ફ્રોઝન ડેઝર્ટ, તેની સ્પષ્ટ જાણકારી મળી રહે તે માટે લેબલિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
જોકે, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ મોટી ખામી કે વાંધાજનક બાબત સામે આવી ન હતી, જેના કારણે વહીવટી તંત્રએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ યથાવત રાખવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવાયું છે.