ભરૂચ જિલ્લાના મનુબર ગામમાંથી મૂંગાં પ્રાણી પ્રત્યેની ક્રૂરતાની એક અત્યંત હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. અહીં માંડ 5 થી 6 મહિનાના માસૂમ શ્વાનના બચ્ચાને જીવતું સળગાવી દેવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા શ્વાનના બચ્ચાને બચાવવા અને સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી અને રોષનો માહોલ છવાઈ ગયો છે.
આ મામલે જાણ થતાં જ જીવદયા કાર્યકરો સક્રિય થયા હતા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જીવદયા કાર્યકરોની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી નીતિન મિસ્ત્રીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે શ્વાનની પૂંછડી સળગાવવા માટે ગયો હતો, પરંતુ આ દરમિયાન શ્વાનનું મોં પણ સળગી ગયું હતું.
મૂંગાં અને નિર્દોષ પ્રાણી સાથે આચરવામાં આવેલી આ ક્રૂરતાએ સમાજમાં માનવતા અને સંવેદના સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રાણી પ્રેમીઓ અને જીવદયા કાર્યકરોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જીવદયા કાર્યકરોએ આરોપી નીતિન મિસ્ત્રી સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મૂંગાં પ્રાણી સાથે આવી અમાનવીય ઘટના ન બને.