સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ અને આગામી રણનીતિ ઘડવા માટે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ઓલપાડના એરથાણમાં આગામી તા.૨૯/૧૧/૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૪-૩૦ કલાકે ભવ્ય ‘સ્નેહમિલન અને કિસાન મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં રાજ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના તમામ અગ્રણીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો હાલમાં અસહ્ય મોંઘવારી, સરકારી નીતિઓ અને વિકાસના નામે જમીનો પર થતા અતિક્રમણ જેવા અનેક ગંભીર પડતર પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. ખેડૂતોના આ સળગતા પ્રશ્નોને વાચા આપવા અને તેના નક્કર નિરાકરણ માટે આગામી આંદોલનાત્મક રણનીતિ નક્કી કરવાના હેતુથી આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ આઈ. પટેલ (ઓરમા)એ જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોને સીધી રીતે નુકસાન કરતા નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને લડતના મંડાણ કરવામાં આવશે. ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાસાયણિક ખાતરના વધતા જતા ભાવો અને ખાતર મેળવવા માટે લાગુ કરાયેલી જટિલ ઓનલાઇન વિતરણ પદ્ધતિને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેનો સખત વિરોધ કરવામાં આવશે.
આગામી સમયમાં સિંચાઈનું પાણી ૯૦ દિવસ સુધી બંધ રહેવાની જાહેરાતથી ખેડૂતોના ઊભા પાક અને આગામી સિઝન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળી રહે તે માટે યોગ્ય ઉકેલ લાવવા ચર્ચા થશે. ખેડૂતોની કીમતી ખેતીલાયક જમીનોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને તેના વળતર અંગેના અન્યાયી નિયમો તથા પડતર પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે રણનીતિ ઘડાશે. ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર વિના જમીનોમાંથી પસાર થતી ટોરેન્ટ પાવરની ગેસ લાઇન સામે ખેડૂતોમાં ભારે રોષ છે, જેના વિરોધમાં આગળની લડત નક્કી કરવામાં આવશે. કાંઠા વિસ્તારના ખેડૂતોના જે સાડા સાત કરોડ (₹૭.૫૦ કરોડ) રૂપિયા બાકી છે, તે રકમ ઝડપથી અને પૂરેપૂરી ખેડૂતોને મળે તે અંગે મહાપંચાયતમાં ખાસ ચર્ચા કરી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના અન્ય પડતર પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરી સરકાર સામે અવાજ બુલંદ કરવાનો નિર્ણય લેવાશે.