વરાછા ઝોનમાંથી પસાર થતી કાપોદ્રા ખાડી આસપાસની સોસાયટીઓમાં મચ્છરોના અસહ્ય ત્રાસને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવારની ફરિયાદો બાદ આખરે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. મનપા દ્વારા ખાડીમાં દવાનો છંટકાવ કરવાની સાથે ડ્રોનની મદદથી પણ મચ્છરોના ખાતમા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
કાપોદ્રા ખાડી શ્રીરામનગર, શ્રીજીનગર, સહયોગ-1 અને 2, માતૃશક્તિ સોસાયટી થઈ અંજની બુટભવાની સુધી પસાર થાય છે. આ વિસ્તારમાં મચ્છરોની ફરિયાદોને પગલે 23થી 25 નવેમ્બર દરમિયાન 22 એન્ટીલાર્વલ સુપરવાઈઝરની દેખરેખ હેઠળ 136 બેલદારો દ્વારા ખાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. સહયોગ સોસાયટી નજીક 300 મીટર વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 30 સોસાયટીઓમાં 130 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા 12,859 ઘરોનો સર્વે કરી 35,927 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વે દરમિયાન તાવના 14 કેસ શોધી 149 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 36,387 બ્રીડિંગ સ્પોટ તપાસતાં 92 સ્થળે મચ્છરના પોઝિટિવ સ્પોટ મળી આવ્યા હતા, જેનો નાશ કરાયો હતો.
વધુમાં 150થી વધુ કર્મચારીઓએ 1.5 કિલોમીટરના ખાડી કિનારાના વિસ્તારમાં કામગીરી કરી હતી. 17 હેન્ડસેટ મશીનથી 30 રાઉન્ડ અને 8 લીકો જીપ મશીનથી 16 રાઉન્ડ ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં કુલ 57 સોસાયટીઓને આવરી લેવામાં આવી હતી. સ્થાનિકોના રોષ બાદ મનપાએ મચ્છર નિયંત્રણ માટે મેદાનમાં ઉતરીને કામગીરી તેજ કરી છે.