મારો જિલ્લો

વાંસદાના ઉપસળથી ૫.૨૦ લાખના ખેરના લાકડા પકડાયા

વાંસદા : વાંસદા તાલુકાના ઉપસળ ગામે વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે કાજિયાકુવા ફળિયા ખાતે તપાસ હાથ ધરી બિનપરવાનગીના ખેરના 510 ટુકડા, જેનું કુલ પ્રમાણ 13.749 ઘનમીટર જેની અંદાજીત કિંમત 5.20 લાખ જેટલી થાય છે જે, મુદ્દામાલ વનવિભાગે કબજે કર્યો હતો.

વાંસદા પશ્ચિમ વનવિભાગનાં આરએફઓ અમિતભાઇ ટંડેલને મળેલી બાતમીના આધારે નાયબ વન સંરક્ષક, વલસાડ ઉત્તર તથા એ.સી.એફ. વાંસદાના માર્ગદર્શન હેઠળ વાંસદા પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા વાંસદા તાલુકાના ઉપસળ ગામના કાજિયાકુવા ફળિયામાં માલિકી ખાતેદાર રિતેશભાઈ વિનુભાઈ પટેલના સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન બિનપાસ-પરવાનગીના ખેરના 510 ટુકડા મળી આવતા વન વિભાગે સમગ્ર લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે રિતેશ પટેલની અટકાયત કરી ભારતીય વન અધિનિયમ-1927ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપસળ ગામે વન વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે લાકડાના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો