બંધારણ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો હાથમાં બંધારણ લઈને ફરે છે, તેમને મારી સલાહ છે કે તેઓ 15 મિનિટ સંસદની લાઇબ્રેરીમાં જઈને બંધારણ વાંચે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણનું સન્માન માત્ર તેને હાથમાં લઈને પ્રદર્શિત કરવામાં નથી, પરંતુ તેમાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરવામાં છે. અમિત શાહે જણાવ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ બંધારણની ભાવના દેશના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દર વર્ષે 26 નવેમ્બરે 'બંધારણ ગૌરવ દિવસ' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "બંધારણનું સન્માન કરવું એ દરેક ભારતીયની અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગર્વની જવાબદારી છે. જોકે, દુર્ભાગ્યની વાત છે કે આઝાદી બાદ બંધારણને માત્ર સરકાર ચલાવવાના પુસ્તક તરીકે જોવાનો પ્રયાસ થયો હતો. દેશનાં કિશોરો, યુવાનો અને નાગરિકોમાં બંધારણની ભાવના કેળવવાની અને તેને મજબૂત બનાવવાની પ્રક્રિયાને અવગણવામાં આવી હતી." તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ 2015માં દર વર્ષે 26 નવેમ્બરે 'બંધારણ ગૌરવ દિવસ' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પાછળનો હેતુ બંધારણનાં સર્વોચ્ચ મૂલ્યોને શાળાઓ, કોલેજો અને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવાનો હતો.
બંધારણ નાગરિકોને અધિકાર આપે છે અને સત્તાધીશોની મર્યાદા નક્કી કરે છે
અમિત શાહે કહ્યું હતું કે બંધારણ નાગરિકોને પોતાની ઇચ્છા મુજબ શાસનવ્યવસ્થા પસંદ કરવાનો અધિકાર આપે છે. બીજી તરફ, સત્તામાં રહેલા લોકોને બંધારણની મર્યાદામાં રહીને શાસન કરવાની જવાબદારી સોંપે છે. તેમણે કહ્યું હતું કે, "મારું માનવું છે કે છેલ્લા 80 વર્ષમાં દેશના લોકોએ સાબિત કર્યું છે કે ભલે 1949માં બંધારણે લોકશાહીનું માળખું આપ્યું હોય, પરંતુ ભારતની સંસ્કૃતિએ હજારો વર્ષોથી લોકશાહી મૂલ્યોને જાળવી રાખ્યાં છે. આ મૂલ્યો આજે બંધારણની વિવિધ કલમો દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યાં છે."
બંધારણનું સન્માન માત્ર દેખાડાપૂરતું ન હોવું જોઈએ: અમિત શાહ
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 80 વર્ષમાં બંધારણ, બંધારણીય સંસ્થાઓ, શાસનવ્યવસ્થા અને લોકશાહીમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તેમણે કહ્યું હતું કે બંધારણનું સન્માન કરવાની બે રીતો છે. પ્રથમ રીતમાં બંધારણના પુસ્તકને પવિત્ર ગ્રંથની જેમ ઊંચું ઉઠાવીને લોકોને બતાવી શકાય અથવા તેને ખિસ્સામાં રાખીને પ્રદર્શિત કરી શકાય. પરંતુ સન્માનની બીજી અને મહત્ત્વપૂર્ણ રીત એ છે કે વ્યક્તિ અને રાજકીય પક્ષ તરીકે બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડો અને કસોટીઓ પર ખરા ઊતરવું.
અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણનું સાચું સન્માન તેના મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરવામાં છે, માત્ર તેને હાથમાં લઈને લોકોને બતાવવામાં નહીં.