મારું શહેર

નાસિર નગર કેસમાં મનપાને મોટી રાહત: ચીફ જસ્ટિસે કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેનને હાજરીમાંથી મુક્તિ આપી

સુરત મહાનગર પાલિકા માટે ગળાનું હાડકું બની ગયેલા નાસિર નગર ડિમોલિશન કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં મોટો વળાંક આવ્યો છે. મહાનગર પાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનને કોર્ટમાં હાજર રહેવાના સિંગલ બેન્ચના હુકમ સામે મનપાએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. આ અપીલની આજે લગભગ ચાર કલાક સુધી ચાલેલી રસપ્રદ સુનાવણી બાદ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે સુરત મહાનગર પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

યાદ કરીએ તો આ કેસમાં અગાઉ એક વખત મહાનગર પાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનને હાઇકોર્ટમાં હાજર રહેવું પડ્યું હતું. ત્યારબાદ બીજી સુનાવણીમાં પણ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ હુકમ સામે સ્ટે મેળવવા માટે મનપાએ ડિવિઝન બેન્ચ સમક્ષ પિટિશન દાખલ કરી હતી.

આજે ચાર કલાક સુધી ચાલેલી સુનાવણીમાં બંને પક્ષો તરફથી વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. છેવટે ચીફ જસ્ટિસે મનપાની અપીલ મંજૂર કરતાં સ્થાયી સમિતિના ચેરમેન અને મહાનગર પાલિકાના કમિશનરને નાસિર નગર કેસની સુનાવણીમાં હાજર રહેવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપતો હુકમ કર્યો છે.

આ નિર્ણયથી સુરત મહાનગર પાલિકાને આ કેસમાં મોટી રાહત મળી છે. નાસિર નગર ડિમોલિશન મામલો છેલ્લા કેટલાક મહિનાથી હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાના મુદ્દે પણ વારંવાર સુનાવણી થઈ રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો