સ્પોર્ટ્સ

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની બીજી બાજી પણ ડ્રો: ગુકેશ અને સિંદરોવ વચ્ચે 20 ચાલમાં જ મુકાબલો બરાબરી પર પૂર્ણ

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે 2026ની FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની બીજી બાજીમાં પણ ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદરોવ સામે ડ્રો રમ્યો હતો. બુધવારે જિનેવામાં રમાયેલી આ બાજીમાં ગુકેશ સફેદ મહોરાં સાથે મેદાનમાં ઉતર્યા હતા. જોકે, બંને ખેલાડીઓ વચ્ચે 20 ચાલ બાદ મુકાબલો બરાબરી પર પૂર્ણ થયો હતો. સિંદરોવે એકસરખી સ્થિતિ સતત ત્રણ વખત સર્જાવાના નિયમ હેઠળ ડ્રોનો દાવો કર્યો હતો. બંને ખેલાડીઓએ તેને સ્વીકારતાં ચેમ્પિયનશિપની બીજી બાજી પણ કોઈ પરિણામ વિના પૂરી થઈ હતી.

લંડન સિસ્ટમથી શરૂઆત
, 13 ચાલ સુધી સાવચેતીભર્યું રમ્યા
ગુકેશે પ્રથમ ચાલમાં ક્વીનના પ્યાદાને આગળ વધારીને લંડન સિસ્ટમ ઓપનિંગથી રમતની શરૂઆત કરી હતી. બીજી તરફ, સિંદરોવે શરૂઆતની ચાલોમાં ઝડપ બતાવી અને પોતાની પૂર્વતૈયારી મુજબ રમત આગળ વધારી હતી. પ્રથમ 13 ચાલ સુધી બંને ખેલાડીઓએ સાવચેતીપૂર્વક રમત રમી હતી. ત્યારબાદ ગુકેશે પોતાની ક્વીનને E2 પર ખસેડી હતી, પરંતુ આ ચાલ બાદ આગામી ચાલ રમવામાં તેમને વધુ સમય લાગ્યો હતો.

એકસરખી સ્થિતિ ત્રણ વખત સર્જાતાં ડ્રો
રમતની 15મી ચાલમાં ગુકેશે પોતાનું પ્યાદું
F3 પર ખસેડ્યું હતું. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે એકસરખી સ્થિતિનું પુનરાવર્તન થવા લાગ્યું હતું. ચેસના નિયમ મુજબ, એક જ સ્થિતિ ત્રણ વખત સર્જાય તો ખેલાડી ડ્રોનો દાવો કરી શકે છે. ગુકેશે ઘોડા અને વઝીરની મદદથી સ્થિતિનું પુનરાવર્તન કર્યું હતું. સતત ત્રીજી વખત એકસરખી સ્થિતિ સર્જાતાં સિંદરોવે ડ્રોનો દાવો કર્યો હતો, જેને બંને ખેલાડીઓએ સ્વીકારી લીધો હતો.

આ મુકાબલા દરમિયાન સમયની બાબતમાં ગુકેશ સિંદરોવ કરતાં પાછળ રહ્યા હતા. એક તબક્કે તેઓ ઘડિયાળમાં આશરે 35 મિનિટ પાછળ હતા. 15મી ચાલ રમવામાં પણ તેમણે ઘણો સમય લીધો હતો. જોકે, માત્ર 20 ચાલમાં જ બીજી બાજી પૂર્ણ થઈ ગઈ હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો