સમયથી અટકેલા પ્રશ્નોનો ઉકેલ ન આવતા સુરતના આયકર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ગુરુવારે ફરી રસ્તા પર ઉતર્યા. કેન્દ્રીય જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (JCA)ના એલાન પર ITEF અને ITGOAના સભ્યોએ સવારે 11 વાગ્યાથી એક દિવસ માટે કામથી અળગા રહીને વોકઆઉટ કર્યો.
અગાઉ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા અને આશ્વાસન બાદ આંદોલન અટકાવાયું હતું. પણ 5 મહિના વીત્યા છતાં કોઈ નક્કર પરિણામ ન મળ્યું. 24 ઓક્ટોબરની બેઠકમાં ફરી આંદોલન શરૂ કરવાનું નક્કી થયું હતું. તેના ભાગરૂપે 19 નવેમ્બરે સુરતમાં ધરણા યોજાયા હતા અને આજે વોકઆઉટ કરાયો.
કામ વધ્યું, પણ સુવિધા નહીં, કર્મચારીઓની દલીલ
સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું કે, 2013-14માં દેશમાં 3.80 કરોડ લોકો રિટર્ન ભરતા હતા, જે 2022-23માં વધીને 7.78 કરોડ થયા. પ્રત્યક્ષ કરની વસૂલાત 6.39 લાખ કરોડથી વધીને 2023-24માં 19.60 લાખ કરોડ પર પહોંચી છે. કામ અને જવાબદારી અનેકગણી વધી હોવા છતાં કેડર રિવ્યૂ અને સેવાકીય પ્રશ્નોની અવગણના થઈ રહી છે.
મુખ્ય માગણીઓ શું છે?
- કેડર રિવ્યૂ અને પુનર્ગઠનના પ્રસ્તાવને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવું
- ભરતી નિયમોમાં સુધારો કરી બઢતીની તક વધારવી, પડતર DPCનો નિકાલ કરવો
- 01-01-2014થી અધિકારીઓની ઓલ ઈન્ડિયા સિનિયોરિટી લિસ્ટ જાહેર કરવી
- ઈન્ટર ચાર્જ ટ્રાન્સફર નીતિ ફરી લાગુ કરવી, દિવ્યાંગ બાળકોના વાલી કર્મચારીઓ માટે ટ્રાન્સફર નિયમમાં રાહત
- ITBA સિસ્ટમમાં યોગ્ય કામની વહેંચણી, બિનજરૂરી રિપોર્ટિંગનું દબાણ ઘટાડવું, ક્લાર્ક અને ડેટા એન્ટ્રીના કામનું આઉટસોર્સિંગ બંધ કરવું
- કોર્ટના ચુકાદાનો લાભ સમાન સ્થિતિ ધરાવતા તમામને આપવો
સુરત JCAએ સ્પષ્ટ કહ્યું કે, આ લડત કોઈ વ્યક્તિ સામે નથી, પણ વિભાગની કાર્યક્ષમતા અને ન્યાયી હક માટે છે. જો કેન્દ્ર સરકાર, નાણા મંત્રાલય અને CBDT સમયસર ઉકેલ નહીં લાવે તો આગળ આંદોલન વધુ આકરું બનશે.