મારું શહેર

વાપીમાં વિધવા શિક્ષિકાના ઘરમાં ચોરી કરનારા દિલ્હીના બે તસ્કર ઝડપાયા

વાપી : વાપીમાં વિધવા શિક્ષિકાના ઘરમાંથી રૂપિયા 1.65 લાખના ઘરેણાની ચોરી કરનારા બંને ઈસમો કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લાના મેગ્લોર નોર્થ પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવેલા હતાં. વલસાડ જિલ્લા પોલીસે ચોરીમાં સંડોવાયેલા બંનેની અટક કરી હતી.

વાપી નૂતનગર, રાધેક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન પંચાલ (ઉં.50) વિધવા છે તથા બે સંતાનો જામનગર અને અમદાવાદમાં રહે છે. તેઓ છીરી સ્થિત જ્ઞાનગંગા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત તા.4-2-26 ના રોજ સવારે નોકરી પર ગયા હતાં. આ તકનો લાભ તસ્કરે ઉઠાવી ઘરનો નકુચો તોડી બે કબાટના લોક તોડી તેમાં મૂકેલા સોના-ચાંદીના ઘરેણા (કિંમત આશરે 1,65,900) ચોરી કરી ગયા હતાં. બપોરે શિક્ષિકા ઘરે આવ્યા ત્યારે ચોરી થયાનું માલુમ પડ્યુ હતું અને આ બનાવ અંગેની ફરિયાદ કરી હતી.

આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી તથા વાપી ટાઉને ટીમો બનાવી સીસીટીવી ફૂટેજો મેળવી ટેક્નિકલ એનાલીસીસ હાથ ધરી હતી. તે દરમિયાન એલસીબીને મળેલી હકીકતના આધારે ઘરફોડ ચોરી કરનારા બંને ઈસમો કર્ણાટકના મેગ્લોર નોર્થ પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવેલા હોવાની માહિતી મળતા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા (1) અરમાન ઉર્ફે અમન સોની શોકીન ખાન (ઉં.35, રહે. નોર્થ ઈસ્ટ, દિલ્હી) અને (2) સંજીવકુમાર ઉર્ફે જોની વિષ્ણુ (ઉં.35, રહે. ન્યુ દિલ્હી)ની અટક કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

 

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો