મારો જિલ્લો

વલસાડ પાલિકાની દબાણ હટાવ ઝુંબેશમાં ૧૫થી વધુ લારીઓ જપ્ત કરવામાં આવી

વલસાડ : વલસાડ કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં શહેરના બજાર વિસ્તારોમાં શાકભાજીની લારીઓ અને દબાણો અંગે ફરિયાદો ઉઠ્યા બાદ વલસાડ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​મળતી માહિતી મુજબ, સંકલન બેઠકમાં રજૂ થયેલી ફરિયાદોના પગલે નગરપાલિકાની ટીમ મેદાનમાં ઉતરી હતી. આજરોજ વલસાડ શહેરના શાકભાજી માર્કેટ, સ્ટેડિયમ રોડ અને એમજી રોડ સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવીને ૧૫થી વધુ લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

​બજાર વિસ્તારોમાં દબાણોના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પડતી હાલાકી તથા ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ આ કાર્યવાહી કરી છે. મુખ્ય માર્ગો પરથી લારીઓ અને દબાણો હટાવવાની કામગીરી શરૂ થતાં દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ યથાવત રહે તેવી શક્યતા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો