વિશ્વ

ઈઝરાયેલમાં આઈઝેનકોટ સરકાર રચવાનો માર્ગ મોકળો: 7 નવા સાંસદોનું સમર્થન

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ખુરશી જોખમમાં મુકાઈ છે. તેમને સત્તા પરથી દૂર કરવા વિપક્ષે નવી રણનીતિ અપનાવી છે, જેના પગલે તેમના ભૂતપૂર્વ સરકારી સાથીદારો પણ પક્ષપલટો કરે તેવી શક્યતા છે.


ભૂતપૂર્વ લશ્કરી વડા ગાડી આઈઝેનકોટે જમણેરી નેતા એવિગ્ડોર લિબરમેનને પોતાની સાથે જોડ્યા છે. લિબરમેનના 'યિસરાએલ બેઈતેનુ' પક્ષ પાસે સંસદમાં 7 બેઠકો છે. આઈઝેનકોટ 'યુનાઈટેડ તોરાહ જુડાઈઝમ' પક્ષ સાથે પણ વાતચીત કરી રહ્યા છે, જેની પાસે 7 બેઠકો છે અને જે અત્યાર સુધી નેતન્યાહૂ સરકારનો ભાગ હતો. આ પક્ષ આઈઝેનકોટ સાથે જોડાય તો નેતન્યાહૂ માટે બહુમતી જાળવવી મુશ્કેલ બની શકે છે. હાલ આઈઝેનકોટને સંસદના 48 સભ્યોનું સમર્થન છે. 'યુનાઈટેડ તોરાહ જુડાઈઝમ'ના તમામ 7 સભ્યો જોડાય તો આ સંખ્યા 55 થશે. બહુમતી માટે જરૂરી 61 બેઠકો મેળવવા તેમણે વધુ 6 સાંસદોનું સમર્થન મેળવવું પડશે, જેના માટે આરબ પક્ષો અથવા અપક્ષોનો સહારો લેવો પડશે.


લિબરમેન સાથે સમજૂતી, હવે ધાર્મિક પક્ષો પર નજર
મંગળવારે રાત્રે આઈઝેનકોટ અને લિબરમેન વચ્ચે સરકાર રચવા સમજૂતી થઈ હતી. લિબરમેનનું સમર્થન વિપક્ષ માટે નેતન્યાહૂ સામે મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે તેઓ લાંબા સમયથી નેતન્યાહૂના વિરોધી રહ્યા છે. બુધવારે લિબરમેને આવતા અઠવાડિયા સુધીમાં નવી સરકાર રચાવાનો દાવો કર્યો હતો. આઈઝેનકોટ હવે નેતન્યાહૂ સરકારને સમર્થન આપનારા ધાર્મિક પક્ષોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં 7 બેઠકો ધરાવતો 'યુનાઈટેડ તોરાહ જુડાઈઝમ' પક્ષ પણ સામેલ છે. પક્ષના નેતાઓ વાતચીત માટે સંમત થયા છે, પરંતુ સરકારમાં જોડાવા માટે ધાર્મિક વિદ્યાર્થીઓને લશ્કરી ભરતીમાંથી મુક્તિ આપવાના મુદ્દે સમાધાનની શરત મૂકી શકે છે. આ મુદ્દો નેતન્યાહૂ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઇઝરાયેલમાં યુદ્ધને કારણે હજારો રિઝર્વિસ્ટોને વારંવાર લશ્કરી ફરજ બજાવવી પડે છે. આઈઝેનકોટ અને તેમના સાથીઓનું માનવું છે કે ધાર્મિક સમુદાયના યુવાનોની પણ લશ્કરમાં ભરતી થવી જોઈએ, જેથી સામાન્ય પરિવારો અને વારંવાર સેવા આપતા સૈનિકો પરનો બોજ ઘટે.

અગાઉ ધાર્મિક પક્ષો સાથે સરકાર રચવાના વિરોધી રહેલા લિબરમેન હવે તેમને સાથે લેવા તૈયાર છે. તેમનું માનવું છે કે યહૂદી ધારાસભ્યોની બહુમતી હોય તો આરબ પક્ષના સમર્થનથી લઘુમતી સરકાર ચલાવી શકાય છે.

નેતન્યાહૂ પાસે 46, જ્યારે વિપક્ષ પાસે 48 ધારાસભ્યો

ઈઝરાયેલની સંસદની 120 બેઠકોમાંથી સરકાર રચવા 61 સભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને સાથી પક્ષો પાસે 46 બેઠકો છે, જ્યારે આઈઝેનકોટ, લિબરમેન, નફતાલી બેનેટ, યાયર લેપિડ અને યાયર ગોલાનના જૂથ પાસે 48 બેઠકો છે. વિપક્ષ હાલમાં નેતન્યાહૂના જૂથ કરતાં માત્ર 2 બેઠકો આગળ છે, પરંતુ સરકાર રચવા માટે હજુ 13 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. 'યુનાઈટેડ તોરાહ જુડાઈઝમ'ના 7 સભ્યો જોડાય તો આ અંતર ઘટીને 6 બેઠકોનું થઈ જશે.ત્યારબાદ આઈઝેનકોટ મન્સૂર અબ્બાસના આરબ પક્ષ 'રામ' નું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. આ પક્ષ સરકારમાં જોડાઈને અથવા બહારથી ટેકો આપી શકે છે. અબ્બાસ 2021-22માં નફતાલી બેનેટ અને યાયર લેપિડની સરકારનો ભાગ હતા અને ફરી સરકારમાં જોડાવા ઉત્સુક છે.

6 ડિસેમ્બરની સમયમર્યાદા, નિષ્ફળતા મળે તો નેતન્યાહૂને તક
8 નવેમ્બરે રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે આઈઝેનકોટને સરકાર રચવાની જવાબદારી સોંપી હતી. તેમણે 6 ડિસેમ્બર સુધી બહુમતી સાબિત કરવી પડશે, જોકે, રાષ્ટ્રપતિ જરૂર પડ્યે 14 દિવસનો વધારો આપી શકે છે. આ તારીખ આઈઝેનકોટ માટે વ્યક્તિગત રીતે પણ મહત્ત્વની છે, કારણ કે 7 ડિસેમ્બરે ગાઝાની લડાઈમાં માર્યા ગયેલા તેમના 25 વર્ષીય પુત્ર ગાલની ત્રીજી પુણ્યતિથિ છે.

જો આઈઝેનકોટ સમયમર્યાદામાં સરકાર રચવામાં નિષ્ફળ જાય, તો રાષ્ટ્રપતિ નેતન્યાહૂને બીજી તક આપી શકે છે. તેઓ પણ બહુમતી ન મેળવી શકે તો ઈઝરાયેલમાં ફરી ચૂંટણી યોજાઈ શકે છે. હાલ નેતન્યાહૂની ચિંતા સરકારને ટેકો આપતા પક્ષોમાં વધતા આંતરિક વિભાજનને લઈને છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો