મારું શહેર

હવે વીજળીની કોઈપણ કામગીરી માટે સબ-ડિવિઝન કચેરીના ધક્કા નહીં ખાવા પડે

વીજળી સંબંધિત સામાન્ય કામગીરી માટે હવે ગ્રાહકોએ પોતાની વિસ્તારની સબ-ડિવિઝન કચેરી સુધી લાંબા ધક્કા ખાવાની જરૂર નહીં પડે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી સુરતના વેસુ વિસ્તારમાં પ્રથમ ‘ઊર્જા સેવા કેન્દ્ર’ (Urja Seva Kendra) શરૂ કરવામાં આવ્યું છે.

એસ.ડી. જૈન સ્કૂલની સામે આવેલા વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે શરૂ થયેલા આ કેન્દ્રમાં વીજળી સંબંધિત વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ કેન્દ્ર કોઈ એક સબ-ડિવિઝનની હદ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ DGVCLના સમગ્ર કાર્યક્ષેત્રનો કોઈપણ ગ્રાહક અહીંથી સેવા મેળવી શકશે. અત્યાર સુધી વીજ બિલ, નવા જોડાણ, બિલમાં સુધારા કે અન્ય કામગીરી માટે ગ્રાહકોએ સંબંધિત સબ-ડિવિઝન કચેરીએ જવું પડતું હતું. દૂરના વિસ્તારોના ગ્રાહકોનો સમય અને મુસાફરી ખર્ચ વધતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે બેંકિંગ અને ટેલિકોમ ક્ષેત્રના વન-સ્ટોપ સર્વિસ મોડેલથી પ્રેરાઈને આ કેન્દ્ર શરૂ કરાયું છે.

ફરિયાદોના ઝડપી નિકાલ માટે કેન્દ્રને FRT અને સ્થાનિક ફિલ્ડ સ્ટાફ સાથે સીધું સંકલિત

ઊર્જા સેવા કેન્દ્રમાં વીજ બિલની ચુકવણી, બિલ મેળવવા અને સમજવા અંગે માર્ગદર્શન, બિલમાં સુધારા, નવા વીજ જોડાણ, ગ્રાહકની વિગતોમાં ફેરફાર, વીજભાર (લોડ) વધારવા કે ઘટાડવા તથા ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે. વીજ પુરવઠાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે કેન્દ્રને ફોલ્ટ રિસ્ટોરેશન ટીમ (FRT) અને સ્થાનિક ફિલ્ડ સ્ટાફ સાથે સીધું સંકલિત કરવામાં આવ્યું છે.


સક્ષમ તાલીમબદ્ધ કર્મચારીઓ સેવા આપશે

આ ઉપરાંત વીજ બચત, ઊર્જા કાર્યક્ષમતા, પીએમ સૂર્ય ઘર યોજના, લોક અદાલત સહિતની યોજનાઓ અંગે પણ માર્ગદર્શન અપાશે. કેન્દ્રમાં સંપૂર્ણ વાતાનુકૂલિત બેઠક વ્યવસ્થા, ટીવી સ્ક્રીન અને ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે, જેથી ગ્રાહકોએ લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. 3થી 5 કમ્પ્યુટર-સક્ષમ તાલીમબદ્ધ કર્મચારીઓ સેવા આપશે.

આગામી તબક્કામાં અન્ય સ્થળોએ પણ કેન્દ્રો શરૂ થશે

DGVCL આ પહેલનો વ્યાપ વધારવાની પણ તૈયારીમાં છે. ગ્રાહકોની સંખ્યા, પ્રતિસાદ અને સ્થાનિક જરૂરિયાતોના આધારે આગામી તબક્કામાં અન્ય સ્થળોએ પણ આવાં કેન્દ્રો શરૂ કરાશે. ટેકનોલોજી અને આધુનિક IT માળખાથી સજ્જ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારની સીમાને બદલે ગ્રાહકની સુવિધાને પ્રાથમિકતા આપવાનો છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો