વાપી : વાપીના અભિષેક જ્વેલર્સના સંચાલકને પાંચ કરોડની ખંડણી માટે દુબઈની જેલમાં બંધ હેરી ઢિલ્લોન દ્વારા ફોન ઉપર ધમકી અને ત્યાર બાદ લલિત જૈન ઉપર હુમલો કરવાના બનાવમાં ઝડપાયેલા પંજાબના ત્રણે આરોપીઓને બુધવારે એસઓજીની ટીમે વાપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણે આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ત્રણે આરોપી છેલ્લા આઠ દિવસથી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ હતા. જોકે બુધવારે વધુ રિમાન્ડ નહીં માગતા આરોપીઓને કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં સબજેલમાં મોકલી આપ્યા હતા.
વાપીના અભિષેક જ્વેલર્સના સંચાલક પ્રદીપ જૈન ઉપર દુબઈની જેલમાં બંધ હરજીન્દર ઉર્ફે હેરી ઢિલ્લોન દ્વારા રોહિત ગોદારા ગેંગના નામે પાંચ કરોડની ખંડણી માટે વોટ્સએપ ઉપર વોઈસ મેસેજથી ઘમકી મળી હતી. ૧૭ નવેમ્બરે આ ધમકી સંદર્ભે પંજાબના ત્રણ આરોપીઓએ કોયતા અને ચપ્પુથી હુમલો કરી પ્રદીપ જૈનના ભાઈ લલિત જૈનને ઘાયલ કર્યો હતો. આ બનાવનો આરોપીઓએ વિડિયો બનાવીને દુબઈ હેગી ઢિલ્લોનને મોકલી આપ્યો હતો. આ ત્રણે આરોપી ઝડપાયા હતા. જે પૈકી જુગરાજ ઉર્ફે યુવરાજ સિંઘ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તેના પગમાં એસઓજી પીઆઈ ડી.ડી.પરમારે ગોળી મારવાની ફરજ પડી હતી. બુધવારે વાપી એસઓજીની ટીમે કોર્ટમાં આરોપી જુગરાજ તેમજ લવપ્રીતસિંઘ તથા અમોલકસિંઘને રજૂ કરતા કોર્ટે ત્રણે આરોપીઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
ચપ્પુ અને કોયતા વાપી મુખ્ય બજારમાંથી ખરીદ્યા હતા
વાપીના જ્વેલર્સને ડરાવવા હુમલો કરવા માટે પંજાબથી ટ્રેન દ્વારા આવ્યા બાદ ત્રણે આરોપી વાપી જીઆઈડીસી વિસ્તારમાં નેશનલ હાઈવે-૪૮ પાસે લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં રોકાઈને સ્કૂટર ભાડે લઈ રેકી કરી હતી. પાંચ દિવસ રહીને વાપી મુખ્ય બજારમાંથી ચપ્પુ અને કોયતાની ખરીદી કરી હતી. પોલીસે આરોપીઓની ઓળખ પરેડ કરાવી હતી.
વાપી કોર્ટ પ્રાંગણમાં પોલીસ જિંદાબાદના નારા લાગ્યા
વાપીની કોર્ટમાં ખંડણીના પ્રકરણમાં વેપારી ઉપર હુમલો કરનારા ત્રણે આરોપીને રજૂ કર્યા ત્યારે વાપી જ્વેલર્સ એસોસિએશન સભ્યો તેમજ વેપારીઓએ વાપી પોલીસ જિંદાબાદના નારા બોલાવ્યા હતો. તેમજ વાપી પોલીસે આરોપીઓને તરત ઝડપી પાડીને વેપારી આલમને રક્ષણ પૂરું પાડ્યું એ કામગીરીને બિરદાવી હતી.