શહેરમાં નશીલા પદાર્થોના દૂષણ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં પાલ અને હજીરા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તથા ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને કેસમાં ડ્રગ્સ અને ગાંજો પૂરો પાડનાર બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાલ વિસ્તારમાં નક્ષત્ર વ્યુ સોસાયટી સામે આવેલા એસ.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે એન્ટી નાર્કોટિક્સ વિંગ (સેક્ટર-૨)ના પીએસઆઈ કે. આર. સોલંકી સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.અહીંથી પાલનપુર રોડ પર સંત તુકારામ સોસાયટી વિભાગ-૨માં રહેતા ધ્રુવ સોનુભાઈ કપુર (ઉં.વ. ૨૨)ને ગેરકાયદેસર વેચાણના હેતુથી રાખેલા ૧૨.૬૬૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિં. રૂ. ૩૭,૯૮૦) સાથે ઝડપી લેવાયો હતો. તેની પાસેથી રૂ. ૨૦,૦૦૦નો મોબાઈલ, પર્સમાં રોકડા રૂ. ૨,૪૦૦ અને રૂ. ૪૫,૦૦૦ની એક્સેસ મોપેડ મળી કુલ રૂ. ૧,૦૫,૩૮૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આરોપીએ અમરોલી કોસાડ આવાસના 'બાબા' પાસેથી ડ્રગ્સ મેળવ્યું હોવાનું ખુલતા તેને વોન્ટેડ દર્શાવી પાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાયો છે.બીજા બનાવમાં હજીરાગામમાં બાગવાળી શેરી ખાતે પ્રદિપ ગોવિંદ ખલાસીના મકાનમાં રૂમ નં. એ-૦૫માં હજીરા પોલીસના એએસઆઈ અહમદઅલી મો. અલી સહિતની ટીમે રેઈડ કરી હતી. અહીંથી મૂળ બિહારના ભોજપુર જિલ્લાના મદરીહા (લીલારી) ગામના અને હાલ હજીરાગામમાં રહેતા રવીકિશનકુમાર ચંદનકુમારસિંહ રાજપુત (ઉં.વ. ૨૧)ને ઝડપી લેવાયો હતો.તેની પાસેથી ૦.૧૮૧ કિલોગ્રામ ગાંજો (કિં. રૂ. ૯,૦૫૦), રૂ. ૧,૦૦૦નો મોબાઈલ અને અન્ય દસ્તાવેજ મળી કુલ રૂ. ૧૦,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હજીરાગામના 'બાબુ લૌચા' પાસેથી ગાંજો મેળવ્યો હોવાની વિગતોના આધારે તેને વોન્ટેડ જાહેર કરી હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરાયો છે.