મારું શહેર

તાલુકા વિકાસ અધિકારીઓની કામગીરીનું DDOએ ખંગેર્યું રિપોર્ટકાર્ડ

સુરત જિલ્લાના તાલુકાઓમાં વિકાસલક્ષી કામોની પ્રગતિ કેટલી છે અને સરકારી યોજનાઓનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવા જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીનાએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી આ બેઠકમાં ૨૧ જેટલા મહત્ત્વના મુદ્દાઓને આવરી લઈને તાલુકાવાર કામગીરીની વિગતો મેળવવામાં આવી હતી. ખાસ કરીને નાણાપંચની ગ્રાન્ટના ઉપયોગ, ગ્રામ પંચાયતોની આવક, વિકાસકાર્યોની પ્રગતિ, જમીનના પ્રશ્નો અને વિવિધ યોજનાઓના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠકમાં ૧૫મા નાણાપંચની પ્રગતિ સાથે ૧૬મા નાણાપંચ હેઠળની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. વતન પ્રેમ યોજના, ગ્રામોત્થાન, સક્ષમ ગામ-સમૃદ્ધ ગામ, અટલ વાડી અને મનરેગા સહિતની વિકાસલક્ષી યોજનાઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગામતળ અને પ્લોટલેસ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નો લાભ આપવા માટે બિનખેતી જમીનની ઉપલબ્ધતા, ગ્રામ પંચાયત તથા આંગણવાડી માટે જમીન ફાળવણીના પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.

વેરા વસૂલાત, જમીનના પ્રશ્નો અને બાકી વહીવટી કેસો પર પણ ભાર

બીજી તરફ, ગ્રામ પંચાયતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા પંચાયત વેરા વસૂલાત અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી ફંડ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળની તાલીમ અને તેના ખર્ચની વિગતો પણ મેળવવામાં આવી હતી. ડિજિટલ ક્રોપ સર્વે, ઓડિટ પેરા, NPSના બાકી કેસો તેમજ ખાતાકીય તપાસ અને તકેદારી સંબંધિત કેસોની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી.

ક્લીનલિનેસ ટાર્ગેટ યુનિટ ટ્રાન્સફોર્મેશન અંગે પણ વિગતો મેળવી

આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ, આયોજન મંડળની વર્ષ ૨૦૨૪-૨૫, ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ની કામગીરી તથા આદિજાતિ વિસ્તારની યોજનાઓ હેઠળ TSP મંડળની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. ક્લીનલિનેસ ટાર્ગેટ યુનિટ ટ્રાન્સફોર્મેશન અંગે પણ વિગતો મેળવવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓએ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. DDOએ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને વહીવટી કામગીરીમાં બાકી રહેલા પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો