લાઈફસ્ટાઇલ

સિસોટીમાં છુપાયેલી ભાષા! શબ્દો વિના આખાં વાક્યો બોલે છે દુનિયાના આ લોકો

કલ્પના કરો કે તમે એક પહાડ પર ઊભા છો અને સામેના પહાડ પર રહેતી વ્યક્તિને સંદેશો પહોંચાડવો છે. બૂમ પાડવાને બદલે તમે સિસોટી વગાડો છો અને સામેની વ્યક્તિ પણ સિસોટીથી જ જવાબ આપે છે. આ કોઈ ફિલ્મનું દૃશ્ય નથી. દુનિયાના અનેક વિસ્તારોમાં સિસોટી દ્વારા આખાં વાક્યો બોલવાની પરંપરા છે. તેને 'Whistled Language' અથવા 'Whistled Speech' કહેવામાં આવે છે. અહીં સિસોટી મોજમસ્તીનું સાધન નહીં, પરંતુ વાતચીતનું માધ્યમ છે.

80થી વધુ ભાષાઓમાં સિસોટીનો ઉપયોગ

ભાષાવૈજ્ઞાનિક 'જુલિયન મેયર'ના 2021ના સંશોધન મુજબ, દુનિયામાં 80થી વધુ ભાષાઓમાં સિસોટી દ્વારા વાતચીતની પદ્ધતિ નોંધાઈ છે. તેમાંથી આશરે 40 ભાષાઓ સંશોધન કે રેકોર્ડિંગ દ્વારા પ્રમાણિત થઈ છે. આ પરંપરા યુરોપ, આફ્રિકા, એશિયા, અમેરિકા અને ઓશનિયાના વિસ્તારોમાં જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ અલગ ભાષાઓ નથી, પરંતુ સ્થાનિક લોકોની બોલાતી ભાષાનું સિસોટી સ્વરૂપ છે.

સ્પેનમાં સિસોટીથી થાય છે આખી વાતચીત

સ્પેનના કેનેરી ટાપુસમૂહના 'લા ગોમેરા' ટાપુ પર 'સિલ્બો ગોમેરો' નામની પદ્ધતિ પ્રચલિત છે. અહીં લોકો સ્પેનિશ ભાષાને સિસોટીના અવાજમાં વ્યક્ત કરે છે. સૂરની ઊંચાઈ, અવાજની લંબાઈ અને વિરામ દ્વારા શબ્દોનો અર્થ સમજાય છે. પહાડી ખીણોમાં આ અવાજ દૂર સુધી પહોંચતો હોવાથી એક ગામમાંથી બીજા ગામ સુધી સંદેશ મોકલવો સરળ બનતો હતો. આ પરંપરાને સાચવવા શાળાઓમાં પણ તેનું શિક્ષણ અપાય છે. 2009માં યુનેસ્કોએ તેને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું હતું.

તુર્કીમાં માણસો બોલે છે પક્ષીઓની ભાષા

તુર્કીના કાળા સમુદ્રના વિસ્તારમાં આવેલા 'કુશકોય' ગામમાં સિસોટી દ્વારા વાતચીત કરવાની પરંપરા છે. સ્થાનિક લોકો તેને પક્ષીઓની ભાષા તરીકે ઓળખે છે. અહીં તુર્કી ભાષાના શબ્દો સિસોટીના જુદા જુદા સૂરથી વ્યક્ત થાય છે. ખેતી દરમિયાન કોઈને બોલાવવું હોય કે ખીણની સામેની બાજુએ સંદેશ પહોંચાડવો હોય, આ પદ્ધતિ ઉપયોગી બનતી હતી. 2017માં યુનેસ્કોએ આ પરંપરાને તાત્કાલિક સંરક્ષણની જરૂર ધરાવતા અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કરી હતી.

મેક્સિકોથી ગ્રીસ સુધી જોવા મળે છે આ રીત

મેક્સિકોના પહાડી વિસ્તારોમાં 'માઝાટેક' અને 'ચિનાન્ટેક' ભાષાઓનાં સિસોટી સ્વરૂપો જોવા મળે છે. અહીં સૂરની ઊંચાઈ બદલવાથી શબ્દનો અર્થ પણ બદલાઈ શકે છે. ગ્રીસના 'એવિયા' ટાપુના 'એન્ટિયા' ગામમાં પણ ગ્રીક ભાષા સિસોટીથી વ્યક્ત કરવાની પરંપરા હતી. જોકે સમય જતાં તેનો ઉપયોગ ઘટ્યો છે. દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક વિસ્તારોમાં 'હ્મોંગ' અને 'અક્હા' ભાષાઓમાં પણ આવી પદ્ધતિઓ નોંધાઈ છે.

સિસોટીમાંથી શબ્દો કેવી રીતે બને છે?

સિસોટીમાં માત્ર એક પ્રકારનો તીક્ષ્ણ અવાજ નીકળે છે, તો પછી આખાં વાક્યો કેવી રીતે સમજાય? હકીકતમાં વ્યક્તિ સામાન્ય ભાષાના અવાજોની ઓળખ જાળવી રાખે તે રીતે સિસોટી વગાડે છે. હોઠ અને જીભની સ્થિતિ બદલીને અવાજની ઊંચાઈ, લંબાઈ, લય અને વિરામમાં ફેરફાર કરવામાં આવે છે. દરેક સિસોટીનો એક જ નક્કી અર્થ હોતો નથી; ઘણી વાર સૂરની આખી રચના સાંભળીને સંદેશ સમજાય છે.

ટેક્નોલૉજી સામે પરંપરાનું અસ્તિત્વ

પહાડો, ખીણો અને ગાઢ જંગલોમાં સામાન્ય અવાજ કરતાં સિસોટી વધુ દૂર સુધી સંભળાઈ શકે છે. તેથી ખેડૂતો, પશુપાલકો અને શિકારીઓ માટે તે ઉપયોગી સંચાર માધ્યમ બન્યું હતું. જોકે પવન, વરસાદ અને આસપાસના અવાજો તેની પહોંચને અસર કરે છે.

મોબાઇલ અને ઇન્ટરનેટના આગમન પછી આવી ભાષાઓનો રોજિંદો ઉપયોગ ઘટ્યો છે. નવી પેઢી પરંપરાગત વ્યવસાયોથી દૂર જતાં આ વારસો પણ જોખમમાં છે. કેટલીક જગ્યાએ શાળાઓ અને સ્થાનિક સંસ્થાઓ તેને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે.

આ ભાષાઓ યાદ અપાવે છે કે વાતચીત માટે હંમેશાં શબ્દોનો અવાજ જરૂરી નથી; ક્યારેક સૂર પણ આખી વાત કહી શકે છે. માણસે ટેક્નોલૉજીથી અંતર ઘટાડ્યું છે, પરંતુ શું આ દોડમાં તે (માણસ) કુદરત અને જરૂરિયાતમાંથી જન્મેલી ભાષાઓને ભૂલી રહ્યો છે?


ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો