મારું શહેર

સમામાં શુદ્ધ પાણીની તંગીથી નાગરિકો ત્રસ્ત, પૂર્વ સાંસદ અને પાલિકા ચેરમેન સામે ભભૂક્યો આક્રોશ

શહેરના વિકસિત ગણાતા સમા વિસ્તારના રહીશો હાલ પ્રાથમિક સુવિધા ગણાતા પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. વર્ષોથી સત્તા ભોગવતા જનપ્રતિનિધિઓ અને તંત્રની ઉદાસીનતાને કારણે સ્થાનિક નાગરિકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. આ મામલે વિસ્તારના લોકોમાં પૂર્વ સાંસદ અને પાલિકાના હાલના ચેરમેન સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

​સમા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યા યથાવત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા આ અંગે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વર્ષો સુધી સત્તાના સુખ ભોગવવા છતાં નેતાઓ વિસ્તારની જનતાને પીવાનું ચોખ્ખું પાણી પણ પૂરું પાડી શક્યા નથી, જેને લઈને રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે.

​બીજી તરફ, આ સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના ચેરમેન વર્ષાબેન વ્યાસે પોતાનો બચાવ કરતા નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સમા વિસ્તારની જૂની સોસાયટીઓમાં પાણીની લાઇનો ઘણી જૂની હોવાથી આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. આ ઉપરાંત, તેમણે સ્થાનિકો પર જ દોષનો ટોપલો ઢોળતા કહ્યું હતું કે ઘણા રહીશોએ જૂની પાણીની લાઇનો પર દબાણ કરી દીધું છે, જેના કારણે સમારકામ કે નવી લાઇન નાખવામાં મુશ્કેલી પડે છે.

​વર્ષાબેન વ્યાસે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ અને તંત્રના અધિકારીઓ અવારનવાર આ વિસ્તારની સ્થળ મુલાકાત લેતા જ હોય છે. આગામી સમયમાં સ્થાનિક રહીશોને સાથે રાખીને અને તેમનો સહયોગ મેળવીને આ પાણીની સમસ્યાને દૂર કરવા માટે ચોક્કસ પ્રયાસો કરવામાં આવશે તેવી હૈયાધારણા તેમણે આપી છે. જોકે, ચેરમેનના આ નિવેદન બાદ હવે સ્થાનિકોની પાણીની સમસ્યા ક્યારે હલ થાય છે તે જોવું રહ્યું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો