રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા અને 85 વર્ષીય વરિષ્ઠ નેતા શરદ પવારની તબિયત ફરી બગડતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પુત્રી અને પક્ષનાં સાંસદ સુપ્રિયા સુલેએ આ માહિતી આપી હતી. પ્રાથમિક રીતે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછતને કારણે તેમની તબિયત બગડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શરદ પવારની તબિયતના સમાચાર મળતાં જ સુપ્રિયા સુલે પક્ષની બેઠક અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યાં હતાં. સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર પોતાના પિતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતાં લખ્યું હતું કે, “બાબાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરી રહ્યાં છીએ. ડિહાઇડ્રેશન થયું હોય તેવું લાગે છે. તેમણે કામ થોડું ઓછું કરવાની અને મુસાફરી ઘટાડવાની જરૂર છે, પરંતુ બાબા માનતા જ નથી. તેમને કામ પ્રત્યે ખૂબ લગાવ છે. સૌની ચિંતા અને શુભેચ્છાઓ બદલ આભાર.” તેમના આ સંદેશ બાદ પક્ષના કાર્યકરો અને શુભેચ્છકોમાં શરદ પવારના સ્વાસ્થ્ય અંગે ચિંતા જોવા મળી હતી.
શરદ પવારની તબિયત બગડતાં સુપ્રિયા સુલેએ પોતાની બેઠક પણ અધવચ્ચે છોડવી પડી હતી. તેઓ મુંબઈના નરીમાન પોઇન્ટ સ્થિત પક્ષના કાર્યાલયમાં રાજ્ય પક્ષ પ્રમુખ શશિકાંત શિંદે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર હતાં. આ બેઠકમાં પક્ષના આંતરિક વિવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. જોકે, પિતાની તબિયત અંગે જાણ થતાં તેઓ બેઠકમાંથી નીકળી સીધા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. નોંધનીય છે કે 85 વર્ષીય શરદ પવારને આ મહિનામાં અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 2 નવેમ્બરે ખાંસી અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પણ લઈ જવાયા હતા. અગાઉ તેમને છાતી અને શ્વસનતંત્રના ચેપની સારવાર આપવામાં આવી હતી. હવે ફરી ડિહાઇડ્રેશનની આશંકા વચ્ચે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.