ભારત

CJP નેતા સૌરભ દાસનો પાસપોર્ટ સોશિયલ મીડિયા પર લીક, અંગત પાસપોર્ટ સોશિયલ મીડિયા પર કેવી રીતે પહોંચ્યો? વિદેશ મંત્રાલયને સવાલ

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક સૌરભ દાસના પાસપોર્ટને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવો વળાંક લઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના પાસપોર્ટની તસવીરો લીક થતાં હોબાળો મચ્યો છે. પાસપોર્ટમાં પિતાનું નામ દર્શાવવામાં આવ્યું ન હોવાથી કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ, સૌરભ દાસે પાસપોર્ટ લીક કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી છે. જોકે, પાસપોર્ટના નિયમો મુજબ સિંગલ પેરેન્ટના કિસ્સામાં માતા અથવા પિતામાંથી કોઈ એકનું નામ આપીને પણ પાસપોર્ટ મેળવી શકાય છે. તેથી માત્ર પિતાનું નામ ન હોવું એ પાસપોર્ટમાં ગેરરીતિ હોવાનો પુરાવો નથી.

આ સમગ્ર વિવાદની શરૂઆત સોમવારે મધરાતે થઈ હતી. સૌરભ દાસે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમનો પાસપોર્ટ ફ્લેગ કરવામાં આવ્યો હોવાથી તેમને લંડન જતી ફ્લાઇટમાં મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું હતું.

આ મામલે વિદેશ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સૌરભ દાસના પાસપોર્ટમાં જન્મસ્થળને લગતી કેટલીક વિસંગતતાઓ સામે આવી હતી. આ કારણોસર સોમવારે સાંજે જ તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. નિયમ મુજબ, આ મામલાનો નિકાલ ન આવે ત્યાં સુધી તેઓ પાસપોર્ટનો ઉપયોગ કરી શકશે નહીં. આ દરમિયાન સૌરભ દાસે આ મામલે દિલ્હી હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.

બુધવારે સોશિયલ મીડિયા પર વર્ષ 2021માં જારી થયેલા તેમના પાસપોર્ટની નકલ વાયરલ થતાં વિવાદ વધુ વકર્યો હતો. પાસપોર્ટમાં માતાનું નામ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે પિતાના નામ માટેનો કોલમ ખાલી રાખવામાં આવ્યો છે. આ બાબતને લઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ટીકા અને ટ્રોલિંગ શરૂ કર્યું હતું. જોકે, પાસપોર્ટના નિયમોમાં સિંગલ પેરેન્ટના કિસ્સામાં માતા અથવા પિતામાંથી કોઈ એકનું નામ આપવાની જોગવાઈ છે. આથી પાસપોર્ટમાં પિતાનું નામ ન હોવાને આધારે કોઈ ગેરરીતિનો નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

સૌરભ દાસે આરોપ લગાવ્યો છે કે ભાજપ તરફ ઝુકાવ ધરાવતા કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા તેમનો અંગત પાસપોર્ટ લીક કરવામાં આવ્યો છે. તેમણે વિદેશ મંત્રાલયને સવાલ કર્યો છે કે તેમનો ખાનગી દસ્તાવેજ સોશિયલ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યો? તેમણે અગાઉ પોતાના રહેણાકનું સરનામું પણ લીક કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. દાસે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટની વિગતો જાહેર કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે.

બીજી તરફ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે જણાવ્યું હતું કે ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO) દ્વારા સૌરભ દાસને જન્મસ્થળ સંબંધિત વિસંગતતાઓ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમને સાત દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવા જણાવાયું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારે આપેલી તમામ માહિતી સાચી હોવાની ખાતરી આપવી પડે છે. જો તપાસ દરમિયાન કોઈ વિસંગતતા જોવા મળે અથવા કોઈ હકીકત છુપાવવામાં આવી હોવાનું જણાય તો સંબંધિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે. હવે સૌરભ દાસના જવાબ અને પાસપોર્ટ કચેરીની તપાસ બાદ આ મામલે આગળની કાર્યવાહી નક્કી થશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો