ભારત

કોંગ્રેસ OBC અનામત ઘટાડીને મુસ્લિમોને આપવા ઈચ્છે છે: બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યો

PM Modi on Constitution Day: બંધારણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ આક્ષેપ કર્યો કે, લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા સ્પષ્ટ હોવા છતાં આજે તે વિરોધ પક્ષને બદલે 'અવરોધ પક્ષ' બની ગયો છે. ખાસ કરીને વિપક્ષની સૌથી મોટી પાર્ટી લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં અડચણો ઊભી કરી રહી છે. તેમણે કહ્યું કે, આવી અડચણો ઊભી કરવી એ બંધારણીય જવાબદારીઓ નિભાવવાનો વિકલ્પ બની શકે નહીં.

પોતાની વેબસાઇટ પર પ્રકાશિત લેખમાં તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી OBC અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જોકે, તેમણે કોઈ પક્ષનું નામ લીધું નહોતું, પરંતુ તેમનો ઈશારો કોંગ્રેસ તરફ હોવાનું જણાય છે.

પીએમ મોદીએ પોતાના લેખમાં જણાવ્યું કે, 'બાબાસાહેબ આંબેડકર આ પ્રકારના નિર્ણયના સખત વિરોધી હતા.' તેમણે દેશવાસીઓને બંધારણનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, 'આજથી એક દાયકા પહેલાં અમારી સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.' પીએમ મોદીએ ભાજપ સરકારના બંધારણીય સુધારાઓનો ઉલ્લેખ કરતાં GST અને EWS માટેની 10 ટકા અનામતને લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવનારા ગણાવ્યા હતા. હાલની જોગવાઈ મુજબ, કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામત છે.

મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર
મહિલા અનામતના મુદ્દે પીએમ મોદીએ વિપક્ષને ઘેરતાં કહ્યું કે, “બંધારણ ઘડવામાં મહિલાઓની મહત્ત્વની ભૂમિકા રહી છે, પરંતુ આ વર્ષની શરૂઆતમાં મહિલા અનામત સંબંધિત બિલને વિપક્ષના એક મોટા પક્ષે પસાર થવા દીધું નહોતું.” તેમણે આક્ષેપ કર્યો કે આ બંધારણીય મૂલ્યો પ્રત્યેના ઓછા આદરને દર્શાવે છે. સાથે જ દેશની મહિલાઓને ન્યાય અપાવવાનો સંકલ્પ કોઈ પણ શક્તિ રોકી નહીં શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

હથિયારધારી નક્સલીઓ ખતમ, હવે માત્ર 'દિમાગી નક્સલી' બચ્યા: PM
નક્સલવાદનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓ સુધી નક્સલીઓએ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ગરીબોને બંધારણીય અધિકારોથી વંચિત રાખ્યા હતા. આ વર્ષે નક્સલવાદના ખાત્માથી સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે હવે ગરીબો નિર્ભય બની પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. તેમના મતે, હથિયારધારી નક્સલીઓનો અંત આવ્યા બાદ હવે માત્ર 'દિમાગી નક્સલીઓ' બચ્યા છે, જેઓ દેશની વિકાસયાત્રામાં અવરોધ ઊભા કરી રહ્યા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો