મારું શહેર

બાજવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ફાળવણી સામે ગ્રામજનોનો વિરોધ

વારંવાર મહિલા અનામત બેઠક ફાળવી રાજકીય ષડયંત્ર હેઠળ ગામનો વિકાસ રૂંધવામાં આવતો હોવાની રજૂઆત

સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રકુમાર ખંડવીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત

વડોદરા જિલ્લાની મહત્વની ગણાતી બાજવા ગ્રામ પંચાયતમાં આગામી ચૂંટણી પૂર્વે સરપંચ પદની અનામત બેઠકની ફાળવણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. વર્ષોથી અનુસૂચિત જાતિ અને સામાન્ય પુરુષ ઉમેદવારોને નેતૃત્વની તકથી વંચિત રાખવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે બાજવા ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રકુમાર ઘેલાભાઈ ખંડવીની આગેવાની હેઠળ ગ્રામજનો અને સામાજિક કાર્યકરોએ વડોદરા જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે.

જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આઝાદી બાદના દાયકાઓમાં અને ખાસ કરીને છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષના સમયગાળા દરમિયાન બાજવા ગ્રામ પંચાયતમાં સામાન્ય પુરુષ માટે સરપંચની બેઠક માત્ર એક જ વખત ફાળવવામાં આવી છે. બીજી તરફ, ગામમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગની અંદાજે ૮૫ ટકા જેટલી બહુમતી વસ્તી હોવા છતાં આજદિન સુધી અનુસૂચિત જાતિના પુરુષ માટે સરપંચની બેઠક ફાળવવામાં આવી નથી. સ્થાનિક સમાજના પુરુષો અને યુવાનોને સત્તા અને નેતૃત્વની તક ન મળવાને કારણે ગામના પાયાના પ્રશ્નો અને વિસ્તારના સર્વાંગી વિકાસ પર તેની માઠી અસર પડી રહી છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બાજવા ગામના દીકરી અને સામાજિક કાર્યકર ભાવિષા પરમારે તંત્રની બેઠક ફાળવણીની પદ્ધતિ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી બાજવામાં SC બેઠક પર માત્ર મહિલાઓની સીટ જ ફાળવવામાં આવે છે, પરંતુ સમાજના ભાઈઓ કે યુવાનોને તક આપવામાં આવતી નથી. તેમણે બેઠક ફાળવણીમાં સંપૂર્ણ પારદર્શકતા રાખવાની માંગ કરી હતી.

અન્ય એક સ્થાનિક અગ્રણીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહિલાઓ વિકાસ ન કરી શકે તેવી કોઈ માન્યતા નથી, પરંતુ બાજવા જેવા ઔદ્યોગિક વિસ્તારની નજીક આવેલા ગામનો વિકાસ રૂંધવા પાછળ કોઈ મોટું રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. તેમણે જિલ્લા કલેક્ટર, મામલતદાર અને ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓને પડકાર ફેંકતા તપાસ કમિટી નિમવાની માંગ કરી હતી, જેથી ગામના અન્ય વિસ્તારોની સરખામણીમાં અનુસૂચિત જાતિના વિસ્તારોમાં વિકાસની કેવી સ્થિતિ છે તેનું સત્ય બહાર આવી શકે.

આખરે, સમગ્ર ગ્રામજનો વતી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષે હાલની મહિલા અનામત બેઠક રદ્દ કરીને બાજવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે અનુસૂચિત જાતિના પુરુષ અથવા સામાન્ય પુરુષની બેઠક ફાળવવા ઉગ્ર માંગણી કરી છે. હવે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા આ રજૂઆત પર શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો