અમદાવાદ અને સુરતના વીજ ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે નવા દર લાગુ કર્યા છે. આ નિર્ણયને પગલે બંને શહેરોના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ આવશે.
અમદાવાદ અને સુરતમાં પ્રતિ યુનિટ નવા દરની અસર
ટોરેન્ટ પાવર દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, અમદાવાદમાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 3.72 રૂપિયાથી વધારીને 4.01 રૂપિયા કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદના ગ્રાહકોએ હવે પ્રતિ યુનિટ 29 પૈસા વધુ ચૂકવવા પડશે.
બીજી તરફ સુરતના વીજ ગ્રાહકો માટે પણ ફ્યુઅલ સરચાર્જમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સુરતમાં પ્રતિ યુનિટ સરચાર્જ 2.44 રૂપિયાથી વધારીને 2.78 રૂપિયા કરાયો છે, એટલે કે ગ્રાહકો પર પ્રતિ યુનિટ 34 પૈસાનો વધારો લાગુ થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન લાગુ થયેલા આ નવા દર મુજબ, હવે બંને શહેરોના 43 લાખ ગ્રાહકોએ વીજ વપરાશની સાથે વધેલો ફ્યુઅલ સરચાર્જ પણ ચૂકવવો પડશે, જેની સીધી અસર તેમના માસિક વીજ બિલ પર પડશે.
સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ ગ્રાહકોને પણ PGVCLનો ઝટકો
ટોરેન્ટ પાવર ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના 62 લાખ વીજ ગ્રાહકોને પણ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજ બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. PGVCLના ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજરે આપેલી માહિતી મુજબ, એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ તથા પેનલ્ટી સહિતના પાંચ પ્રકારના ચાર્જ પર જુલાઈ મહિનાથી 3.99 ટકાનો વધારો અમલી બનાવાયો છે, જેના કારણે ઘરેલું સહિતના અન્ય ગ્રાહકોના બિલમાં વધારો થયો છે.