સુરત: સુરત જિલ્લાના નવ તાલુકાઓની ગ્રામ પંચાયતોની આગામી સામાન્ય ચૂંટણી પહેલાં જ સરપંચ અને વોર્ડની બેઠકોની અનામત ફાળવણીને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. અનામત બેઠકોના રોટેશનમાં બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે.
કોંગ્રેસે જાહેર થયેલા તાલુકાવાર જાહેરનામાઓ રદ કરી નિયમોનુસાર નવેસરથી અનામત બેઠકોની ફાળવણી કરવાની માગ કરી છે. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયકે 26 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને પાઠવેલી અરજીમાં જણાવ્યું છે કે ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા વોર્ડની બેઠકોની અનામત ફાળવણીમાં અગાઉના ચૂંટણી રોસ્ટર અને રોટેશનના ક્રમનું પાલન થયું નથી. કેટલાક ગામોમાં રાજકીય લાભ ખાટવાના હેતુથી અનામતની કેટેગરીમાં ફેરફાર કરાયો હોવાની રજૂઆતો મળી હોવાનું પણ જણાવ્યું છે. કોંગ્રેસે તમામ નવ તાલુકાના વર્ષ 1994થી અત્યાર સુધીના ચૂંટણી રોસ્ટર રજિસ્ટર જાહેર જનતા સમક્ષ મૂકવા, અનામત ફાળવણી સામે મળેલી તમામ વાંધા અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અને રાજકીય દબાણ વિના નવેસરથી ફાળવણી કરવા માગ કરી છે.
અનામત બેઠકોની ફાળવણી નિર્ધારિત રોટેશન પ્રમાણે થવી જોઈએ
અરજીમાં બંધારણના અનુચ્છેદ 243-D, ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 51 અને ગુજરાત ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી (રોટેશન દ્વારા અનામત હોદ્દાઓની ફાળવણીની રીત) નિયમો-1994ના નિયમ 3થી 10નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, એસસી, એસટી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા મહિલાઓ માટેની અનામત બેઠકોની ફાળવણી નિર્ધારિત રોટેશન પ્રમાણે થવી જોઈએ. અગાઉની ચૂંટણીમાં જે ક્રમે રોટેશન અટક્યું હોય ત્યાંથી જ આગળની ફાળવણી થવી જરૂરી છે.
સુધારેલું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો કોર્ટમાં જશે
અરજીમાં સ્પષ્ટ ચીમકી અપાઈ છે કે વાંધાઓનો નિકાલ કરી સુધારેલું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કોર્ટના દ્વાર ખખડાવશે. આમ, ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ અનામત બેઠકોની ફાળવણીનો મુદ્દો રાજકીય અને કાયદાકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે.