પ્રફુલ પટેલની સામાજિક એકતાની અપીલ પર લલિત વસોયાના પ્રહાર, કહ્યું- 'સમાજના નામે રાજનીતિ થઈ રહી છે'
અમદાવાદ: તાજેતરમાં ચૌધરી સમાજના એક કાર્યક્રમના મંચ પરથી પ્રફુલ પટેલે કરેલી સામાજિક એકતાની અપીલ સામે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખુલ્લી અસહમતિ વ્યક્ત કરી છે. આ નિવેદન પાછળ રાજકીય હેતુ છુપાયેલો હોવાનો આક્ષેપ કરતા વસોયાએ જણાવ્યું છે કે, ભાજપ દ્વારા સમાજના ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. વસોયાના આ નિવેદનથી ગુજરાતના સામાજિક અને રાજકીય વર્તુળોમાં નવો વિવાદ છેડાયો છે.
લલિત વસોયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લેઉવા અને કડવા પાટીદાર સમાજ પહેલેથી જ સંગઠિત અને એકજૂથ છે, તેથી નવેસરથી એકતાની વાતો કરવાની કોઈ જરૂર નથી. તેમણે દાવો કર્યો હતો કે સામાજિક એકતાના નામે થતી આ કવાયતમાંથી સ્પષ્ટપણે રાજકીય ગંધ આવે છે. ઊલટાનું, સમાજને વિભાજિત કરવાનું કામ ભાજપે કર્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે મૂક્યો હતો. સામાજિક મંચોનો ઉપયોગ રાજકીય સંદેશા આપવા માટે થતો હોવા સામે વાંધો ઉઠાવતા વસોયાએ કહ્યું હતું કે, સામાજિક કાર્યક્રમોને રાજકારણથી દૂર રાખવા જોઈએ.
ધાર્મિક અને ઐતિહાસિક મુદ્દે પણ ઉઠાવ્યા સવાલ
આ ઉપરાંત વસોયાએ ધાર્મિક અને ઐતિહાસિક તથ્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા એમ ત્રણેય દેવીઓનો ઇતિહાસ અને અસ્તિત્વ અલગ-અલગ છે, તેથી તેમને એકસાથે જોડવા યોગ્ય નથી. ખેતી કરનારા તમામ લોકો પાટીદાર જ હોય તેવી માન્યતાને પણ તેમણે તથ્યહીન ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર સાથે અન્ય અનેક સમાજો પણ સંકળાયેલા છે, જેથી માત્ર ખેતીના આધારે પાટીદાર સમાજને એકરૂપ ગણવાની દલીલ યોગ્ય નથી.
લલિત વસોયાના આ આકરા નિવેદનોને કારણે સામાજિક એકતા અને રાજકીય વ્યૂહરચના વચ્ચેની ખેંચતાણ વધુ તેજ બની છે. આગામી દિવસોમાં પાટીદાર અને અન્ય સમાજોના આગેવાનો તરફથી આ મુદ્દે કેવી પ્રતિક્રિયાઓ સામે આવે છે, તેના પર સૌની નજર રહેશે, કારણ કે તેની સીધી અસર રાજ્યના આગામી રાજકીય સમીકરણો પર પડી શકે છે.