મારું શહેર

વડોદરા SSG હોસ્પિટલના બાળરોગ વિભાગની સફળતા

પગની ઈજા બાદ ગંભીર ખેંચ અને શ્વાસની તકલીફ વચ્ચે વેન્ટિલેટર તથા ટ્રેકિયોસ્ટોમીની સફળ સારવાર બાદ બાળકને ડિસ્ચાર્જ કરાયું

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૬

વડોદરા :- તબીબી વિજ્ઞાન અને નિષ્ણાત ડોક્ટરોના સંકલિત પ્રયાસો ક્યારેક અશક્ય લાગતી પરિસ્થિતિને પણ શક્ય બનાવી દેતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો વડોદરાની સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં સામે આવ્યો છે, જ્યાં પગમાં થયેલી ઈજા બાદ થયેલા જીવલેણ 'ટ્રોમેટિક ટિટનસ' (ધનુર) સામે લડીને ૬ વર્ષનો બાળક એક મહિનાથી વધુ સમય વેન્ટિલેટર પર રહ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો છે.

આ ઘટના એક ૬ વર્ષીય બાળકને પગમાં ઈજા થયા બાદ સર્જાઈ હતી, જેના કારણે તેને ટ્રોમેટિક ટિટનસ (ધનુર) થયું હતું. બીમારીની ગંભીરતા અને જીવલેણ જોખમને ધ્યાનમાં રાખીને બાળકને વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બાળરોગ વિભાગના HOD ડો. ઓમપ્રકાશ શુક્લા અને ડો. પરેશ ઠક્કર તેમજ ડો. દિવ્યા દવે, ડો. તૃપ્તિ દેશપાંડે અને ડો. પ્રિયા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ PICU ટીમ દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે બાળકને લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેને સતત ખેંચ આવતી હતી. આ ખેંચને કારણે બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી અને લાંબા સમય સુધી વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાત ઊભી થઈ હતી.

બાળકને લાંબા સમય સુધી વેન્ટિલેટર સપોર્ટ આપી શકાય તે માટે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને ENT વિભાગના HOD ડો. રંજન અય્યરના માર્ગદર્શન હેઠળ ENT ટીમ દ્વારા 'ટ્રેકિયોસ્ટોમી' કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ગળામાં નાનું છિદ્ર કરીને શ્વાસનળીમાં ટ્યુબ મૂકવામાં આવી હતી, જેના દ્વારા બાળકને શ્વસન સહાય આપવામાં આવી હતી.

બાળકને ખેંચ માટેની દવાઓ પણ સતત લાંબા સમય સુધી આપવામાં આવી હતી, જેના પરિણામે ખેંચમાં ઘટાડો થયો અને બાળકની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. સફળતાપૂર્વક એક મહિનાથી વધુ સમય બાદ બાળકને વેન્ટિલેટર સપોર્ટમાંથી બહાર લાવવામાં આવ્યું અને લાંબી સારવાર તથા સતત સંભાળના કારણે તેની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો.

અંતે, ગંભીર અને જીવલેણ ટિટનસ સામેની લાંબી લડત બાદ બાળકની સ્થિતિ સંતોષકારક થતાં તેને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ સફળ સારવાર PICU, ENT અને ફિઝિયોથેરાપી ટીમના સંકલિત પ્રયાસો, નિષ્ણાત તબીબોના માર્ગદર્શન, નર્સિંગ સ્ટાફની સમર્પિત સેવા અને સમગ્ર હોસ્પિટલના ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે.

એક મહિનાથી વધુ સમય વેન્ટિલેટર પર રહેલા બાળકને સફળતાપૂર્વક સ્વસ્થ કરી ઘરે મોકલવું એ સમગ્ર હોસ્પિટલ ટીમ માટે ગૌરવ અને પ્રેરણાની બાબત છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો