આરોગ્ય

‘ઓપરેશન હેલ્થ’ હેઠળ 1,477 સ્થળોએ તપાસ, 175 હાઈવે હોટેલોને નોટિસ; ફૂડ પોઈઝનિંગ થાય તો સંચાલક જવાબદાર

રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ખાણીપીણીના એકમો સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે રાજ્યભરમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમો સહિત કુલ 1,477 સ્થળોએ તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને હાઈવે પર આવેલી હોટેલોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે.

ફૂડ સેફ્ટી વિભાગે અત્યાર સુધીમાં હાઈવે પરની 691 હોટેલોમાં તપાસ કરી છે. તેમાંથી 175 હોટેલોમાં રસોડામાં ગંદકી, અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતાં નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 14 હોટેલોમાંથી શંકાસ્પદ ખાદ્યપદાર્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન 175 હોટેલોમાં સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. નોટિસ મળ્યા બાદ આ હોટેલોના સંચાલકોએ સ્વયંભૂ રીતે હોટેલ બંધ રાખીને સફાઈ કરી હતી અને ફૂડ સેફ્ટીના કાયદા મુજબ જરૂરી સુધારા કર્યા હતા. બાકીની 516 હોટેલોમાં પણ વધુ સુધારા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ કરીને હોટેલ કે રેસ્ટોરન્ટમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બને તો તેની સીધી જવાબદારી સંચાલકની નક્કી કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તાર હોય કે આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક ખાણીપીણીના એકમમાં સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

બીજી તરફ, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટે પણ વિભાગે પગલાં લીધાં છે. તપાસ હેઠળ આવેલા કુલ 786 એકમોમાંથી 590 એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, 32 એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રાહકોને તેઓ કઈ વસ્તુ ખરીદી રહ્યા છે તેની સ્પષ્ટ જાણકારી મળે તે માટે આઈસ્ક્રીમના એકમોમાં ફરજિયાત સૂચનાત્મક બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો હેતુ આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચીને ગ્રાહકોને ભ્રમિત થવાથી બચાવવાનો છે.

આરોગ્ય વિભાગે હોટેલ, રેસ્ટોરન્ટ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલનાં રસોડાંમાં પણ સ્વચ્છતા જાળવવા સૂચના આપી છે. ખાદ્યપદાર્થો તૈયાર કરતી વખતે અને પીરસતી વખતે કર્મચારીઓ તથા વેઈટર્સે હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા, માથા પર કેપ રાખવી અને સ્વચ્છતાના અન્ય તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. નિયમોનો ભંગ કરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો