મારું શહેર

સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારાઓ સામે પાલિકાની તવાઈ, ખંડેરાવ માર્કેટમાં દંડનીય કાર્યવાહી ​

વડોદરા: શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અને સફાઈ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વોર્ડ નં. ૧૩ ના ઉત્તર ઝોન વિસ્તારમાં આવેલા ખંડેરાવ માર્કેટ અને રાજમહેલ રોડ પર પાલિકાની ટીમ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ અને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

​તપાસ દરમિયાન પાલિકાના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે ખંડેરાવ માર્કેટ અને રાજમહેલ રોડ આસપાસના કેટલાક ધંધાકીય એકમો અને લારી-ગલ્લા ધારકો દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકીને ગંદકી કરવામાં આવી રહી છે. પાલિકાની ટીમે સ્થળ પર જ આવા બેજવાબદાર ધંધાકીય એકમો સામે લાલ આંખ કરીને તેમને કાયદેસરની નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, જાહેરમાં કચરો નાખીને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર ઇસમો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

​આ ઝુંબેશ દરમિયાન પાલિકાના અધિકારીઓ દ્વારા વિસ્તારના તમામ વેપારીઓ અને દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાની દુકાનનો કચરો જાહેર માર્ગ પર ન ફેંકે અને ફરજિયાતપણે કચરાપેટીનો ઉપયોગ કરે. પાલિકાએ વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિક અને વેપારીની નૈતિક ફરજ છે. આગામી દિવસોમાં પણ જો કોઈ વેપારી કે વ્યક્તિ જાહેરમાં ગંદકી કરતો જણાશે તો તેની સામે કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના આકરી દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો