મારું શહેર

આઠ વર્ષના કાનૂની જંગ બાદ ઈજનેર ધાર્મિક દવેની જૂની નોકરી રદ, સિનિયોરિટી ગુમાવી ​

વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં વર્ષ ૨૦૧૮માં કાર્યપાલક ઈજનેર ની સીધી ભરતીમાં થયેલા વિવાદનો આઠ વર્ષે અંત આવ્યો છે. આ વિવાદમાં ઈજનેર ધાર્મિક દવેની વર્ષ ૨૦૧૮થી તા. ૨૩ નવેમ્બર ૨૦૨૬ સુધીની કાર્યપાલક ઈજનેર તરીકેની નોકરી સમાપ્ત થઈ ગઈ છે અને તેમને નવેસરથી બે વર્ષ ઓન પ્રોબેશન પર નિમણૂંક આપવામાં આવી છે, જેના કારણે તેમની સિનિયોરિટી પણ ખતમ થઈ ગઈ છે.

​વર્ષ ૨૦૧૮માં VMCએ કાર્યપાલક ઈજનેરની એક બિન અનામત જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. સ્પર્ધાત્મક પરીક્ષા બાદ ચકાસણી સમિતિએ તૈયાર કરેલી પસંદગીક્રમની યાદીમાં ત્રીજા નંબરે રહેલા ધાર્મિક ભૈરવલાલ દવેને તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સામાન્ય સભામાં બે વર્ષ ઓન પ્રોબેશન પર નિમણૂંક અપાઈ હતી.

​આ નિમણૂંક સામે પ્રથમ ક્રમાંકના ઉમેદવાર જતીન ભીખાભાઈ કળથિયાએ પસંદગીક્રમની અવગણનાનો આક્ષેપ કરી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જાન્યુઆરી ૨૦૨૦માં હાઈકોર્ટે નિમણૂંક કોર્ટના આગામી આદેશોને આધીન રહેશે તેમ નોંધ્યું હતું. આગળ જતાં હાઈકોર્ટે સામાન્ય સભાનો ઠરાવ રદબાતલ ઠેરવતાં ધાર્મિક દવેની નિમણૂંક ગેરલાયક ઠરી હતી અને માર્ચ ૨૦૨૬માં VMCએ તેમની ઓન પ્રોબેશન નિમણૂંક સમાપ્ત કરી જતીન કળથિયાને ઓર્ડર આપ્યો હતો.

​ત્યારબાદ ધાર્મિક દવેએ હાઈકોર્ટની ડબલ બેંચમાં એલપીએ દાખલ કરી સ્ટે મેળવ્યો હતો અને ૩૭ વર્ષની ઉંમર તથા સિનિયોરિટી જતી કરવાની તૈયારી દર્શાવી રજૂઆત કરી હતી. હાઈકોર્ટના સૂચન બાદ VMCએ બંને ઈજનેરોને સમાવી લેવાનો નિર્ણય કરી સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર કરાવી હતી, જેને હાઈકોર્ટે મંજૂરી આપી વિવાદનો અંત આણ્યો હતો. ધાર્મિક દવેની અગાઉની નોકરી કન્ટીન્યુ ન રહેતાં તેમને નવેસરથી બે વર્ષ ઓન પ્રોબેશનનો ઓર્ડર મળ્યો છે અને તેઓ કાર્યપાલક ઈજનેર તરીકે હાજર થયા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો