મારું શહેર

મનપાના સફાઈ કર્મચારી પર રખડતા શ્વાનનો હુમલો: પગમાં 7થી વધુ ગંભીર ઈજાઓ

શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સામાન્ય નાગરિકો બાદ હવે મનપાના કર્મચારીઓ પણ શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે. પાંડેસરાના તિરુપતિ નગર વિસ્તારમાં સફાઈ કામગીરી કરી રહેલા મહાનગરપાલિકાના વર્ગ-4ના કર્મચારી ધીરજ બોરસ પર રખડતા શ્વાને અચાનક હુમલો કરતાં તેમને પગના ભાગે સાતથી વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ડિંડોલી ખાતે રહેતા 28 વર્ષીય ધીરજ બોરસ પાંડેસરા તિરુપતિ નગર વિસ્તારમાં સફાઈ કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક રખડતું શ્વાન તેમના પર તૂટી પડ્યું હતું. શ્વાને તેમના પગના ભાગે બચકાં ભરી લેતાં સાતથી વધુ ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના પાંડેસરા, ઉધના, સચિન અને લિંબાયત સહિતના વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક સતત જોવા મળી રહ્યો છે. ઘર પાસે રમતાં બાળકો, શાળાએ જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધા માટે બહાર નીકળતા નાગરિકો પર શ્વાન હુમલો કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે સફાઈ કામગીરી કરતા મનપાના કર્મચારી પર હુમલાની ઘટના બનતાં રખડતા શ્વાનના નિયંત્રણ માટે મનપા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

મહાનગરપાલિકા દર વર્ષે રખડતા શ્વાનના ખસીકરણ અને રસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં શ્વાનનો આતંક યથાવત્ રહેતાં આ કામગીરી કેટલી અસરકારક છે તે અંગે સવાલો ઊઠી રહ્યા છે. જાહેર રસ્તાઓ પર નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે ત્યારે મનપા દ્વારા માત્ર ખર્ચના આંકડા રજૂ કરવાને બદલે રખડતા શ્વાનની સમસ્યાના કાયમી અને અસરકારક ઉકેલ માટે નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો