ભારત

દેશભરમાં હવામાનનો બેવડો મિજાજ: ઉત્તરમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ, દક્ષિણનાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે અને અનેક સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, તો બીજી તરફ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી મુજબ, આગામી દિવસોમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં હવામાનની વિપરીત સ્થિતિ જોવા મળી શકે છે. તાપમાનમાં ઘટાડો થતાં ઉત્તર ભારતના લોકો ઠંડીથી બચવા ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે.

દિલ્હી-એનસીઆરમાં 1 ડિસેમ્બર સુધી આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે, જોકે સવારના સમયે કેટલાક વિસ્તારોમાં હળવું ધુમ્મસ છવાઈ શકે છે. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ધુમ્મસની અસર વધુ જોવા મળી શકે છે. આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું ગંભીર સ્તર યથાવત્ રહેવાની ચિંતા પણ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત, મુઝફ્ફરનગર અને હાપુડ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતાને પગલે ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હીમાં 25 નવેમ્બરના રોજ આ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પાલમ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. સફદરજંગ, આયાનગર, રાજઘાટ, નજફગઢ અને મયુર વિહાર સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 24થી 28 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ઠંડીની શરૂઆત સાથે સવારના સમયે ધુમ્મસની અસર વધી રહી છે.

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસનું જોર વધી રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે. પૂર્વીય પવનોની અસરને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની જરૂર છે.

પહાડી રાજ્યોમાં પણ હવામાન બદલાયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા નોંધાઈ રહી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને ચમોલી ઉપરાંત જમ્મુ-કાશ્મીરના બડગામ, પુલવામા, અનંતનાગ અને કુપવાડામાં બરફવર્ષા થઈ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડી અને બિલાસપુરમાં ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી છે. ઓડિશાના બોલાંગીરમાં પણ દૃશ્યતા ઘટીને માત્ર 70 મીટર નોંધાઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 100 મીટર સુધી રહી હતી.

હવામાનમાં આવેલા આ ફેરફાર પાછળ અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાનું જણાવાયું છે. પશ્ચિમી વિક્ષેપ, બાંગ્લાદેશ નજીક સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ, મન્નારના અખાતથી બંગાળની ખાડી સુધી ફેલાયેલા પૂર્વીય પવનો અને ગુજરાત તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણને કારણે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ હવામાન સ્થિતિ સર્જાઈ રહી છે. આમ, એક તરફ ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસ વધવાની શક્યતા છે, તો બીજી તરફ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો