ગર્ભાવસ્થા દરમિયાન માતા જે દવા લે છે તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર તો નહીં થાય ને? આ સવાલ દરેક માતા માટે મહત્ત્વનો હોય છે. ખાસ કરીને ADHD (Attention Deficit Hyperactivity Disorder) એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, અતિશય સક્રિયતા અને આવેગ પર નિયંત્રણ રાખવામાં પડતી તકલીફ ધરાવતી મહિલાઓ માટે ગર્ભાવસ્થા દરમિયાન દવા ચાલુ રાખવી કે બંધ કરવી એ મોટો નિર્ણય બની જાય છે. હવે આ અંગે થયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય સંશોધને થોડી રાહત આપી છે. બ્રિટિશ મેડિકલ જર્નલ (The BMJ)માં 25 નવેમ્બર, 2026ના રોજ પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન ADHDની સામાન્ય દવાઓ લેનારી મહિલાઓનાં બાળકોમાં ઓટિઝમ, ADHD, બૌદ્ધિક અક્ષમતા કે શીખવાની મુશ્કેલી જેવી ન્યુરોડેવલપમેન્ટલ સમસ્યાઓનું એકંદર જોખમ વધતું હોવાનું જોવા મળ્યું નથી. ડેનમાર્ક, નોર્વે અને સ્વીડનનાં 36 લાખથી વધુ બાળકોના આરોગ્ય રેકોર્ડના વિશ્લેષણ બાદ આ તારણ સામે આવ્યું છે.
20 વર્ષના રેકોર્ડનું કરવામાં આવ્યું વિશ્લેષણ
આ સંશોધનમાં વર્ષ 2000થી 2021 દરમિયાન જન્મેલા કુલ 36,43,376 બાળકોના આરોગ્ય રેકોર્ડનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ આ બાળકોના વિકાસ અને આરોગ્યની સરેરાશ નવથી દસ વર્ષ સુધી નોંધ રાખી હતી. તેમાંથી 7,595 બાળકોની માતાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ADHDની દવાઓ લીધી હતી. સંશોધકોએ ખાસ કરીને એ તપાસ્યું કે ગર્ભમાં દવાઓના સંપર્કમાં આવેલા બાળકોમાં આગળ જતાં કોઈ ન્યુરોડેવલપમેન્ટલ સમસ્યા જોવા મળે છે કે નહીં.
અભ્યાસમાં મુખ્યત્વે મેથિલફેનિડેટ (Methylphenidate), એમ્ફેટામાઇન્સ (Amphetamines) અને એટોમોક્સેટિન (Atomoxetine) જેવી દવાઓનો સમાવેશ થયો હતો. આ દવાઓનો ઉપયોગ ADHDનાં લક્ષણો નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. શરૂઆતના વિશ્લેષણમાં દવાના સંપર્કમાં આવેલા બાળકોમાં કેટલીક સમસ્યાઓનું પ્રમાણ વધારે જણાતું હતું, પરંતુ માતાની ADHDની સ્થિતિ, માનસિક સ્વાસ્થ્ય, ધૂમ્રપાન અને અન્ય દવાઓના ઉપયોગ જેવા પરિબળોને ધ્યાનમાં લીધા બાદ આ જોખમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નહોતો.
માતાની સારવાર પણ એટલી જ મહત્ત્વની
આ સંશોધનનું એક મહત્ત્વનું પાસું એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન દવા બંધ કરવાના સંભવિત પરિણામો પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ADHD ધરાવતી મહિલાઓ માટે દવા માત્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ નથી, પરંતુ રોજિંદાં કામ, નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ ઉપયોગી થઈ શકે છે. દવા અચાનક બંધ કરવાથી કેટલીક મહિલાઓમાં ADHDનાં લક્ષણો વધી શકે છે, જેની અસર તેમના અંગત જીવન, કામકાજ અને પરિવાર પર પડી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે માત્ર બાળકના ભવિષ્યના ન્યુરોડેવલપમેન્ટલ જોખમની ચિંતાને કારણે દરેક મહિલાએ ADHDની દવા બંધ કરી દેવી જોઈએ એવું આ અભ્યાસ સૂચવતો નથી. જોકે, તેનો અર્થ એવો પણ નથી કે ગર્ભાવસ્થા દરમિયાન આ દવાઓ સંપૂર્ણપણે જોખમમુક્ત છે.
દરેક મહિલાનો નિર્ણય અલગ હોઈ શકે
આ અભ્યાસ નિરીક્ષણ આધારિત (Observational Study) હતો. એટલે સંશોધકો દવા અને બાળકના વિકાસ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરી શક્યા છે, પરંતુ દવા લેવાથી કોઈ જોખમ જ નથી તેની સંપૂર્ણ ખાતરી આપી શકતા નથી. દવાની માત્રા, સારવારનો સમયગાળો અને ADHDની ગંભીરતા જેવા કેટલાક પરિબળોનું મૂલ્યાંકન પણ મર્યાદિત હતું. આ અભ્યાસમાં ગર્ભાવસ્થાના તમામ સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.
આથી ગર્ભવતી મહિલાઓએ પોતાની રીતે દવા બંધ કરવી કે ચાલુ રાખવી નહીં. ગાયનેકોલોજિસ્ટ અને ADHDની સારવાર કરતા નિષ્ણાત સાથે ચર્ચા કરીને વ્યક્તિગત સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો જરૂરી છે. સંશોધનનો મુખ્ય સંદેશ એ છે કે માતાના માનસિક સ્વાસ્થ્ય અને બાળકના વિકાસ વચ્ચે સંતુલન જાળવવું એટલું જ જરૂરી છે. ગર્ભાવસ્થામાં દવા અંગેનો નિર્ણય ડરથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક માહિતી અને ડૉક્ટરની સલાહના આધારે લેવો જોઈએ.