શહેરના ફતેગંજ વિસ્તારમાં અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પાએ કેટરર્સનો સામાન લઈ જતી બોલેરો પીકઅપને જોરદાર ટક્કર મારતા પીકઅપમાં સવાર ચારથી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
જોરદાર ટક્કરના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટક્કર વાગતા જ બોલેરો પીકઅપ રોડ પર પલટી જવા જેવી સ્થિતિમાં આવી ગઈ હતી અને તેમાં રાખેલો કેટરર્સનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોની ચીસાચીસથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે ફતેગંજ રોડ પર થોડીવાર માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે વાહનો કબજે કરી આઈશર ટેમ્પાના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.