મારું શહેર

વિવાદોનો પર્યાય બનેલી એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી વિવાદ

શહેરની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આર્ટ્સ ફેકલ્ટીના અનુસૂચિત જાતિ સમાજના પૂર્વ વિદ્યાર્થી કૃપાંગ સોલંકીએ વીડિયો નિવેદન જાહેર કરી યુનિવર્સિટી તંત્ર પર જાતિવાદ આચરવાનો ગંભીર આક્ષેપ કરતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

કૃપાંગ સોલંકીનો દાવો છે કે તેણે વર્ષ 2018માં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને નવેમ્બર 2021માં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ડિગ્રી પૂર્ણ કરી હતી. આમ છતાં તેને જાણીજોઈને ટાર્ગેટ કરી ૫ થી ૬ વર્ષ સુધી લટકાવી રાખવામાં આવ્યો અને ડિગ્રીથી વંચિત રાખવામાં આવ્યો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે દિલ્હી રહેતો હોવા છતાં ડિગ્રીના મામલે તેને વારંવાર દિલ્હીથી વડોદરા બોલાવવામાં આવતો હતો, કચેરીઓમાં બેસાડી ગેરમાર્ગે દોરતા જવાબો અપાતા હતા અને અલગ અલગ ફોર્મ ભરાવી માનસિક તેમજ શારીરિક ત્રાસ અપાયાનો પણ તેણે આક્ષેપ કર્યો છે. સોલંકીના જણાવ્યા મુજબ યુનિવર્સિટીએ સૂચવેલા તમામ ફોર્મ તેણે ભર્યા છે અને તેના દસ્તાવેજો તેની પાસે છે. જાતિગત ભેદભાવનો ભોગ બન્યાનો અહેસાસ થયા બાદ તેણે આરટીઆઈ દાખલ કરી હતી અને આરટીઆઈની પ્રથમ અપીલ બાદ તેને ડિગ્રી આપવામાં આવી હતી. જે ડિગ્રી છ વર્ષથી મળતી ન હતી તે આરટીઆઈ અપીલ દરમિયાન અચાનક કેવી રીતે મળી ગઈ, તેવો સવાલ તેણે ઉઠાવ્યો છે. મિલીભગતની તપાસની માંગ છતાં કોઈ ઈન્ક્વાયરી કરાઈ નથી અને ચાર દીવાલ વચ્ચે ડિગ્રી આપી મામલો ભૂલી જવા કહેવાયું હોવાનો પણ આરોપ છે. આ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ કેસ દાખલ કરી સુનાવણી કરાઈ હોવા છતાં યુનિવર્સિટીના જવાબદાર હોદ્દેદારોએ યોગ્ય જવાબ આપવાને બદલે આયોગને ગેરમાર્ગે દોર્યું હોવાનો અને આયોગની નોટિસો તથા રિમાઈન્ડરોનો અનાદર કર્યાનો પણ ગંભીર આરોપ મૂકાયો છે. સમગ્ર જાતિગત ભેદભાવ અને વહીવટી હેરાનગતિમાં રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા અને વાઈસ ચાન્સેલરની મુખ્ય ભૂમિકા અને મિલીભગત હોવાનો સીધો આક્ષેપ સોલંકીએ કર્યો છે. વીડિયો મારફતે સોલંકીએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ નિષ્પક્ષ, ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ સમાજના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના આગેવાનોને પણ આ મામલે આગળ આવી ન્યાય અપાવવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ એસસી વિદ્યાર્થીને આ પ્રકારના ભેદભાવનો ભોગ બનવું ન પડે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો