ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી પદના ચહેરા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભાજપ માટે કમળનું ફૂલ જ સર્વસ્વ છે. લખનઉમાં બુધવારે એક ટીવી મીડિયા જૂથને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભાજપ કોને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કરશે? તેના જવાબમાં યોગીએ કહ્યું હતું કે ભાજપ માટે કમળનું ફૂલ જ સર્વસ્વ છે અને કોણ શું છે તે સૌ જાણે છે. એક દિવસ પહેલાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ મુખ્યમંત્રી પદના ચહેરા અંગેના સવાલ પર કમળના ફૂલનો જ ઉલ્લેખ કર્યો હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન યોગી આદિત્યનાથે NDAમાં બેઠકોની વહેંચણી અને સહયોગી પક્ષો વચ્ચે મતભેદ હોવાની અટકળોને પણ ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે નિષાદ પાર્ટી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સહિત તમામ સહયોગી પક્ષો ગઠબંધનનો ભાગ છે અને આગામી ચૂંટણી સાથે મળીને લડશે. ગઠબંધનમાં કોઈ પ્રકારની અસમજૂતી હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર નિશાન સાધતાં યોગીએ કહ્યું હતું કે અગાઉ બંને પક્ષોના નેતાઓની જોડી ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ નિષ્ફળ જતી હતી, પરંતુ આ વખતે ચૂંટણી પહેલાં જ ગઠબંધનની સ્થિતિ બગડી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે એક તરફ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. યોગીએ આ સ્થિતિને એકબીજાનું અપમાન ગણાવી હતી. તેમના મતે, દરેક રાજકીય ગઠબંધનના પોતાના નિયમો, પરંપરાઓ અને શિષ્ટાચાર હોય છે, પરંતુ સપા અને કોંગ્રેસ વચ્ચે જે સ્થિતિ જોવા મળી રહી છે તે બંને પક્ષો વચ્ચેના તાલમેલનો અભાવ દર્શાવે છે.
અખિલેશ યાદવની અયોધ્યા મુલાકાત અંગે પણ યોગીએ આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રામલલાનાં દર્શન કરવા સારી વાત છે, પરંતુ અયોધ્યા જતા પહેલાં અખિલેશ યાદવે રામભક્તો અને હિન્દુઓની માફી માગવી જોઈએ. યોગીએ 1990ના દાયકામાં સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અખિલેશ યાદવે પોતાની પાર્ટીથી થયેલી ભૂલ સ્વીકારવી જોઈએ. તેમના જણાવ્યા અનુસાર, તે સમયે સમજદારી દાખવવામાં આવી હોત તો રામભક્તો પર ગોળીબાર કરવાની સ્થિતિ ઊભી ન થઈ હોત.
યોગીએ ધાર્મિક નારાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મથુરામાં 'રાધે-રાધે', અયોધ્યામાં 'જય શ્રીરામ' અને કાશીમાં 'હર-હર મહાદેવ' કહેવું લોકોની આસ્થા સાથે જોડાયેલું છે. જ્યારે 'રામ નામ સત્ય' અંતિમ વિદાય સમયે બોલવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના નેતાઓ દ્વારા સનાતન ધર્મ અંગે કરવામાં આવતાં નિવેદનો પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે બે હોડીઓમાં સવારી કરવી હંમેશાં જોખમી હોય છે.
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં યોગીએ તેમને એવા રોકેટ સાથે સરખાવ્યા હતા, જેને વારંવાર લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તે દરેક વખતે નિષ્ફળ જાય છે. અખિલેશ યાદવની ઘૂસણખોરો અંગેની ટિપ્પણીનો જવાબ આપતાં યોગીએ આરોપ લગાવ્યો હતો કે વાસ્તવિક ઘૂસણખોરો સમાજવાદી પાર્ટીને પોતાના સગાં-સંબંધીઓ જેવા લાગે છે.
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે SIRનું સમર્થન કરતાં યોગીએ કહ્યું હતું કે મતદાર યાદીમાં માત્ર લાયક ભારતીય નાગરિકોનાં નામ જ હોવાં જોઈએ. મૃત્યુ પામેલા અને અન્ય સ્થળે સ્થળાંતર કરી ચૂકેલા લોકોનાં નામ યાદીમાંથી દૂર થવાં જોઈએ. જોકે, કોઈ પણ લાયક ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાંથી કપાવું ન જોઈએ. તેમણે આ પ્રક્રિયાને યોગ્ય મતદાર યાદી તૈયાર કરવા માટે જરૂરી ગણાવી હતી.
ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા અને ઔદ્યોગિક વિકાસ અંગે વાત કરતાં યોગીએ 2017 પહેલાંની સ્થિતિની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે અગાઉ રાજ્યમાં ગુંડાગીરી, રમખાણો અને અરાજકતાનો માહોલ હતો. વેપારીઓમાં ભય હતો અને રોકાણકારો ઉત્તર પ્રદેશમાં રોકાણ કરતાં અચકાતા હતા. તે સમયે કટ્ટા અને બોમ્બ બનાવવાની ફેક્ટરીઓ ચાલતી હતી, જ્યારે હવે રાજ્યમાં રિવોલ્વર, રાઇફલ અને બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વેપારીઓ, મહિલાઓ અને દીકરીઓ વિરુદ્ધ ગુના કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા ગુનેગારો માટે હવે માત્ર જેલ અથવા જહન્નુમ જ બચ્યું છે.
યોગીએ ઉત્તર પ્રદેશમાં રોકાણ અને વિકાસ અંગે પણ અનેક દાવા કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યને આશરે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. દેશના કુલ મોબાઇલ ઉત્પાદનમાંથી 55 ટકા અને ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનમાંથી 60 ટકા ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશના એક્સપ્રેસવે નેટવર્કમાં પણ રાજ્યનો હિસ્સો 60 ટકા હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ ઉત્તર પ્રદેશમાં માત્ર બે એરપોર્ટ કાર્યરત હતાં, જ્યારે હવે 17 એરપોર્ટ કાર્યરત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 9.75 લાખ યુવાનોને સરકારી નોકરીનાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. યોગીએ પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો હોવાનો દાવો પણ કર્યો હતો. બુલડોઝરને ઉત્તર પ્રદેશની તાકાત ગણાવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કાયદો-વ્યવસ્થાને પડકારનારાઓ સામે સરકારની કાર્યવાહી ચાલુ રહેશે.
ગુજરાત મિત્રના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ link ઉપર ક્લિક કરો