ઇજિપ્તની રાજધાની કૈરો નજીક રિંગ રોડ પર ઓઇલ ટેન્કરમાં થયેલા ભીષણ અકસ્માત બાદ લાગેલી આગમાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત થયા છે, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા છે. બુધવારે બનેલી આ દુર્ઘટનામાં આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસથી પસાર થઈ રહેલી અનેક કાર અને મોટરસાઇકલ પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે જઈ રહેલા ઇંધણ ભરેલા ટેન્કરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને હાઇવે પર પલટી ખાઈ ગયો હતો. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ સાથે ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટના કૈરોના ઇમ્બાબા ઉપનગરના વારક વિસ્તારમાં ગીઝા જિલ્લાના અલ-વારક વિસ્તારમાં એક ટનલ ઉપર બની હતી. કૈરો રિંગ રોડ ગ્રેટર કૈરોના મુખ્ય હાઇવેને જોડે છે અને કૈરો, ગીઝા તથા કાલુબિયા પ્રાંતો વચ્ચે અવરજવર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. ટેન્કરમાં આગ લાગ્યા બાદ જ્વાળાઓએ આસપાસનાં વાહનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધાં હતાં. આગની ઊંચી જ્વાળાઓ રાત્રિના આકાશમાં દૂર સુધી દેખાતી હતી. આ દુર્ઘટનામાં બે ડઝનથી વધુ કાર અને મોટરસાઇકલ બળીને ખાખ થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગની તીવ્રતા અને એક પછી એક વાહનોમાં આગ ફેલાવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારોમાંથી પણ બચાવ અને રાહત ટીમોને બોલાવવામાં આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
રાહત અને બચાવ કામગીરી માટે કુલ 39 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ઝાયેદ સ્પેશિયલાઇઝ્ડ, ઇમ્બાબા જનરલ અને વારક સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તેથી મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન થયું હોવાથી માર્ગ પર લાંબા સમય સુધી અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.
આ દુર્ઘટના બાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર હાઇવે પર ભારે વાહનોની સુરક્ષા અને ઇંધણ પરિવહન દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અંગે સવાલો ઊભા કર્યા છે.
ગુજરાત મિત્રના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ link ઉપર ક્લિક કરો