અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, તે ઉક્તિને વલસાડના ૫૫ વર્ષીય ગૃહિણી અને જાણીતા મેરેથોન રનર સીમા ઠાકોરે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. ઘર-પરિવારની તમામ જવાબદારીઓ સંભાળવાની સાથે તેમણે નેપાળના અન્નપૂર્ણા સર્કિટમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા ટ્રેકિંગ પાસ પૈકીના એક 'થોરોંગ લા પાસ' (૫,૪૧૬ મીટર / ૧૭,૭૬૯ ફૂટ) અને વિશ્વના સૌથી ઊંચા સરોવરોમાં સ્થાન ધરાવતા 'તિલિચો લેક' (૪,૯૧૯ મીટર / ૧૬,૧૩૮ ફૂટ) સુધીનો કુલ ૧૬૦ કિલોમીટરનો અત્યંત કઠિન ટ્રેક માત્ર ૧૪ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ ૧૪ દિવસની પદયાત્રા દરમિયાન ખરાબ હવામાનને કારણે સમગ્ર ટ્રેકિંગ રૂટ બરફની ચાદરથી ઢંકાઈ ગયો હતો. માઈનસ ૨૦ ડિગ્રી (-20°C) જેટલા હાડ થીજવતા તાપમાન અને ઓક્સિજનના અત્યંત ઓછા પ્રમાણ વચ્ચે પણ સીમા ઠાકોરે હિંમત હાર્યા વિના પોતાની સફર ચાલુ રાખી હતી. ભારે બરફવર્ષા અને અત્યંત લપસણા તથા જોખમી રસ્તાઓ પાર કરીને તેઓ પહેલા ૪,૯૧૯ મીટરની ઊંચાઈએ આવેલા તિલિચો લેક પહોંચ્યા હતા. ત્યારબાદ ૮૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા અત્યંત તેજ બરફીલા પવનો અને બરફના ઢગલાઓ વચ્ચે અતૂટ મનોબળ સાથે તેમણે લગભગ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતો થોરોંગ લા પાસ સર કરી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.
સીમા ઠાકોર વર્ષ ૨૦૧૬ થી વલસાડ રેસર્સ ગ્રુપ અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડ સાથે જોડાઈને નિયમિત મેરેથોન દોડે છે. છેલ્લા ૧૦ વર્ષની આ નિયમિત પ્રેક્ટિસ, અદમ્ય સ્ટેમિના અને શિસ્તબદ્ધ જીવનશૈલી તેમને આ કઠિન પહાડી ચઢાણમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. નોંધનીય છે કે આ અગાઉ વર્ષ ૨૦૨૨માં પણ તેમણે એવરેસ્ટ બેઝ કેમ્પ (૫,૩૬૪ મીટર / ૧૭,૫૯૮ ફૂટ) સફળતાપૂર્વક સર કર્યો હતો.
મનમાં દ્રઢ નિશ્ચય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ હોય તો ૫૫ વર્ષની ઉંમરે પણ કુદરતના સૌથી કઠિન પડકારોને પાર કરી શકાય છે, તેવું સાબિત કરનાર સીમા ઠાકોર આજની યુવા પેઢી અને ખાસ કરીને ગૃહિણીઓ માટે એક ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.