વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે ડુંગરીના ભરા ફળિયામાં એક લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગરના રહેણાંક મકાન પર દરોડો પાડીને રૂ. ૩,૦૮,૬૨૭/- ની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સામાન્ય રીતે હાઉસ રેડમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવવો એ પોલીસ બેડામાં મોટી વાત ગણાય છે, જેને લઈને સમગ્ર જિલ્લાના પોલીસ તંત્રમાં આ દરોડાની વ્યાપક ચર્ચા જાગી છે. તેમજ સ્થાનિક પીઆઈ ની કામગીરી સામે શંકાની સોય તકાઈ રહી છે.
વલસાડ એલ.સી.બી. પીઆઈ એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ગૌતમભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુંગરી ભરા ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય યોગેશ ઉર્ફે શિવો ભગુભાઈ રડકાભાઈ ધોડિયા પટેલના ઘરે છાપો મારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (વ્હીસ્કી, વોડકા અને બિયર) ની કુલ ૮૫૦ બોટલ/ટીન (૨૫૯.૫૮૦ લિટર) મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૩,૦૮,૬૨૭/- થાય છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. ૫૦૦/- નો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩,૦૯,૧૨૭/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી યોગેશ ઉર્ફે શિવાની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર પારડીના પ્રિતેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પકડાયેલો આરોપી યોગેશ ઉર્ફે શિવો કોઈ સામાન્ય ખેપિયો નહીં પરંતુ રીઢો ગુનેગાર છે, જેની સામે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીમાં પારડી, વાપી ટાઉન, વલસાડ સિટી અને ખાસ કરીને ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કુલ ૨૫ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આટલો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લિસ્ટેડ બુટલેગરના ઘરમાં ૮૫૦ બોટલ જેટલો મસમોટો જથ્થો સંગ્રહાયેલો હોવા છતાં સ્થાનિક ડુંગરી પોલીસ તેનાથી અજાણ રહી, તે બાબત સૌને ચોંકાવી રહી છે. એલ.સી.બી.ની આ સફળ રેડ બાદ હવે ડુંગરીના સ્થાનિક પીઆઈની ભૂમિકા અને તેમની નિષ્ક્રિયતા સામે શંકાની સોય તકાઈ છે, જેને લઈને પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હાલ એલ.સી.બી.એ પકડાયેલા આરોપી અને મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે ડુંગરી પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.