વિશ્વ

ઈન્ડોનેશિયામાં ગેરકાયદે ખાણમાં મોટી દુર્ઘટના, બચાવ કામગીરી ચાલુ

ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતમાં ગેરકાયદે રીતે ચાલતી સોનાની ખાણમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મૂશળધાર વરસાદને કારણે આશરે 100 મીટર ઊંડી ખાણમાં પાણી ભરાઈ જતાં 8 શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે 18થી વધુ શ્રમિકો અંદર ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને શોધખોળ માટેની ટીમોએ મોટા પાયે કામગીરી શરૂ કરી છે.

આ દુર્ઘટના રાજધાની જકાર્તાથી આશરે 60 કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં બની હતી. સોમવારથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ખાણની મુખ્ય શાફ્ટમાં પૂરનાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે અંદર કામ કરી રહેલા શ્રમિકો બહાર નીકળી શક્યા નહોતા. ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે બચાવ ટુકડીઓએ પંપ લગાવીને ખાણમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.

બચાવ કામગીરીમાં ખાણની ઊંડાઈ અને પ્રવેશદ્વારની સાંકડી જગ્યા મુખ્ય પડકાર બની રહ્યાં છે. જકાર્તા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસનાં વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણનો પ્રવેશમાર્ગ ખૂબ જ સાંકડો છે. ભારે વરસાદને કારણે બહારનો રસ્તો પણ કાદવ-કીચડથી લપસણો બની ગયો છે. ખાણની અંદર પૂરતું અંધારું હોવાથી બચાવકર્મીઓ માટે કામગીરી કરવી જોખમી બની રહી છે.

દરમિયાન, ઈન્ડોનેશિયાની સરકારી ખાણકામ કંપની અંતમ (Antam)એ સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટના તેની કોઈ અધિકૃત ખાણમાં બની નથી. કંપનીના જણાવ્યા અનુસાર, જે સ્થળે અકસ્માત થયો છે ત્યાં ગેરકાયદે અને અનધિકૃત રીતે સોનાનું ઉત્ખનન કરવામાં આવતું હતું. ઈન્ડોનેશિયાના દુર્ગમ વિસ્તારોમાં આવી નાની અને ગેરકાયદે ખાણો અગાઉ પણ જીવલેણ અકસ્માતોનું કારણ બની ચૂકી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો