મારો જિલ્લો

સુરતના કાર ચાલકે નશાની હાલતમાં થાંભલા સાથે કાર ઠોકી

વલસાડ શહેરના હાલર સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર ગત રાત્રે નશાની હાલતમાં બેફામ કાર હંકારી રહેલા સુરતના એક યુવકે અકસ્માત સર્જ્યો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ જાગૃત નાગરિકની સતર્કતાને કારણે વલસાડ સીટી પોલીસે નશાખોર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગત તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯:૫૫ વાગ્યાના સુમારે વલસાડની બી.એસ.એન.એલ. ઓફિસની સામેથી હાલર સર્કલ તરફ જતા મેઈન રોડ પર એક સફેદ રંગની હોન્ડા અમેઝ કાર (નં. GJ-05-RB-9243) પૂરઝડપે અને આડીઅવળી દિશામાં દોડી રહી હતી. કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બી.એસ.એન.એલ. ઓફિસ સામે આવેલા લોખંડના ઇલેક્ટ્રિક થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કારચાલક નશાની હાલતમાં હોવાનું જણાતા એક જાગૃત નાગરિકે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ (જનરક્ષક ૧૧૨) પર ફોન કરીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ જનરક્ષક ૧૧૨ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ચાલકને અટકાયતમાં લઈ વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજકુમાર પટેલે પંચોની રૂબરૂમાં ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રવિભાઈ દિનેશભાઈ ઠક્કર (ઉંમર ૩૮, રહે. શિવશક્તિ રેસીડેન્સી, માસમા ગામ, તા. ઓલપાડ, જિ. સુરત) હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપી તોતડાતી જીભે બોલતો હતો, તેની આંખો લાલચોળ હતી અને તે પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતો ન હતો. બ્રેથ એનેલાઈઝર વડે તપાસ કરતા તેણે કેફી પીણું પીધું હોવાનું સ્પષ્ટ થયું હતું અને તેની પાસે દારૂ પીવા અંગેની કોઈ પાસ કે પરમિટ પણ મળી આવી ન હતી.

આ મામલે વલસાડ સીટી પોલીસે આરોપી રવિભાઈ ઠક્કર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૫ હેઠળ ગુનો નોંધી તેને મેડિકલ તપાસ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો