મહિલા બિગ બેશ લીગ 2026માં મેલબોર્ન રેનેગેડ્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ક્રિકેટપ્રેમીઓને એક અનોખો નજારો જોવા મળ્યો હતો. મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમતી વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિએન્ડ્રા ડોટિન ક્રીઝ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં બેટિંગ માટે તૈયાર ન થઈ શકતાં તેને અનોખી રીતે આઉટ થવું પડ્યું હતું. ડોટિન પીચથી દૂર ઊભી રહી અને પોતાની વિકેટ પડતી જોઈ રહી હતી.
આ ઘટના WBBLના ખાસ નિયમને કારણે બની હતી, જે પરંપરાગત ટાઇમ આઉટના વિકલ્પ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ, વિકેટ પડ્યા બાદ નવો બેટર 75 સેકન્ડની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર ન થાય તો તેને એક ખાસ પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.
જો બેટર 75 સેકન્ડમાં તૈયાર ન થાય, તો તેને લેગ સાઇડ પર સ્ટમ્પની લાઇનથી ઓછામાં ઓછા પાંચ મીટર દૂર ઊભા રહેવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ બોલરને ખાલી સ્ટમ્પ પર બોલિંગ કરવાની તક મળે છે. બોલ સ્ટમ્પને અડકે તો બેટર બોલ્ડ જાહેર થાય છે, જ્યારે બોલ સ્ટમ્પ ચૂકી જાય તો તેને ડોટ બોલ ગણવામાં આવે છે અને કોઈ રન મળતા નથી.
આ મેચમાં બ્રિસ્બેન હીટની બોલર સારાહ ગ્લેને ખાલી સ્ટમ્પને નિશાન બનાવી બોલ ફેંક્યો હતો અને બોલ સીધો સ્ટમ્પમાં વાગતાં ડોટિન આઉટ થઈ હતી. 2021-22ની સિઝનમાં આ નિયમ લાગુ થયા બાદ WBBL કે પુરુષોની BBLમાં પહેલીવાર મેદાન પર તેનો અમલ થયો હતો. જોકે, આ અનોખી વિકેટ છતાં મેલબર્ન રેનેગેડ્સે અંતિમ બોલ પર ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી.