સ્પોર્ટ્સ

IPL 2027ની હરાજી માટે 1,220 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન, 66 ખાલી જગ્યાઓ માટે થશે બોલી

આગામી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી આઇપીએલની મીની હરાજી માટે ઈંગ્લેન્ડના માજી કેપ્ટન બેન સ્ટોક્સ અને ઓસ્ટ્રેલિયન બેટર કેમેરોન બેનક્રોફ્ટ સહિત 281 વિદેશી ખેલાડી તેમજ 939 ભારતીય મળીને કુલ 1220 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ મહત્તમ 66 ખાલી જગ્યાઓ માટે દાવેદારી કરશે અને તેમાંથી 25 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. હરાજી પહેલાં આ યાદીમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે, જેમાં હાલ 184 કેપ્ડ, 994 અનકેપ્ડ અને 42 એસોસિયેટ ખેલાડીઓનો સમાવેશ થાય છે. અનકેપ્ડ ખેલાડીઓમાંથી 925 ભારતીય છે, જેમાંથી 127 અગાઉની આઇપીએલ સિઝનમાં રમી ચૂક્યા છે.

આ વર્ષની શરૂઆતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર 35 વર્ષીય સ્ટોક્સ છેલ્લે 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ વતી બે મેચ રમ્યો હતો અને અગાઉ રાજસ્થાન રોયલ્સ તથા રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ માટે પણ રમી ચૂક્યો છે, તેણે બે કરોડની બેઝ પ્રાઇસ સાથે એન્ટ્રી કરી છે. 2018ના બોલ-ટેમ્પરિંગ વિવાદમાં સામેલ અને તે અંગે તાજેતરમાં પેટ કમિન્સના દાવાઓનો જવાબ આપનાર 34 વર્ષીય બેનક્રોફ્ટે 75 લાખની બેઝ પ્રાઇસ સાથે નામ નોંધાવ્યું છે. તે પહેલા ક્યારેય આઇપીએલ રમ્યો નથી પરંતુ બીબીએલમાં નિયમિત રમે છે. અન્ય ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્કોટ બોલેન્ડે પણ હરાજીમાં નામ નોંધાવ્યું છે, જોકે ટુર્નામેન્ટના મોટા ભાગના સમય માટે તેમની ઉપલબ્ધતાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત એસોસિયેટ દેશોમાંથી જાપાનના બેન્જામિન ઈટો ડેવિસ પણ ₹૩૦ લાખની બેઝ પ્રાઇસ સાથે ગોવાની હરાજીમાં આવી શકે છે.

IPL ઓક્શન માટે વિદેશી રજિસ્ટ્રેશનમાં ઓસ્ટ્રેલિયા 53 અને દ આફ્રિકા 40 ખેલાડી સાથે મોખરે

બીસીસીઆઈએ બુધવારે જણાવ્યું હતું કે ૨૦૨૭ની IPL હરાજી માટે ૧૭ દેશોના કુલ ૨૮૧ વિદેશી ખેલાડીઓએ નોંધણી કરાવી છે, જેમાં ૫૩ ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા અને ૪૦ ખેલાડીઓ સાથે દક્ષિણ આફ્રિકા સૌથી આગળ છે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના ૩૬, ન્યૂઝીલેન્ડના ૨૫, અફઘાનિસ્તાનના ૨૩, શ્રીલંકાના ૨૧, ઈંગ્લેન્ડના ૧૬, બાંગ્લાદેશના ૧૨, આયર્લેન્ડના ૭ અને ઝિમ્બાબ્વેના ૬ ખેલાડીઓ સામેલ છે. એસોસિએટ દેશોમાં અમેરિકાના સૌથી વધુ ૧૩ ખેલાડીઓએ નોંધણી કરાવી છે, જ્યારે યુએઈ અને નેપાળના ૧૦-૧૦, નેધરલેન્ડ્સના ૩ અને કેનેડા, જાપાન તથા સ્કોટલેન્ડના ૨-૨ ખેલાડીઓ નોંધાયા છે.

બાંગ્લાદેશના 11 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન, મુસ્તફિઝુરનું નામ નથી

હરાજી માટે બાંગ્લાદેશના ૧૧ ખેલાડીઓએ નોંધણી કરાવી છે, પરંતુ ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન આ યાદીમાં નથી. ગયા વર્ષે બીસીસીઆઇના નિર્દેશ પર કેકેઆર દ્વારા રહેમાનને રિલીઝ કરવામાં આવ્યો હતો, જે ઘટનાક્રમને કારણે અંતે બાંગ્લાદેશ ભારતમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાંથી ખસી ગયું હતું. રજીસ્ટ્રેશન કરાવનારા બાંગ્લાદેશી ખેલાડીઓમાં હસન મહમૂદ, પરવેઝ હુસૈન ઈમોન, રિપોન મોન્ડોલ, રિશાદ હુસૈન, સૈફ હસન, શાક મહેદી હસન, શમીમ હુસૈન, શોરીફુલ ઈસ્લામ, તન્ઝીમ હસન સાકિબ, તૌહીદ હૃદય અને મોહમ્મદ રુબેલનો સમાવેશ થાય છે.

અવેશ અને ચાહર સહિત કુલ 14 કેપ્ડ ભારતીય ખેલાડીઓ સામેલ

૧૦ ટીમોએ કુલ ૧૮૪ ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે યાદીમાં સામેલ 14 કેપ્ડ ભારતીય ખેલાડીઓમાં આકાશ દીપ, આવેશ ખાન, દીપક ચાહર, દીપક હુડા, જયદેવ ઉનડકટ, કરુણ નાયર, કુલદીપ સેન, મયંક અગ્રવાલ, ઉમેશ યાદવ, ઉમરાન મલિક, સારાંશ જૈન, શિવમ માવી, તુષાર દેશપાંડે અને રાહુલ ત્રિપાઠીનો સમાવેશ થાય છે.

રૂ. બે કરોડની મહત્તમ બેઝ પ્રાઇસ ધરાવતા 30 ખેલાડીઓના ગ્રુપમાં માત્ર બે ભારતીય સામેલ

૩૦ ખેલાડીઓના જૂથમાં મહત્તમ બેઝ પ્રાઈસ ધરાવતા ફક્ત બે ભારતીય અવેશ ખાન અને દીપક ચહરની ઝડપી બોલિંગ જોડી સામેલ છે. તેમની સાથે જ સ્ટોક્સ ઉપરાંત અન્ય ખેલાડીઓમાં ફઝલહક ફારૂકી, મુજીબ રહેમાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર-મેકગર્ક, ઝાય રિચાર્ડસન, માહલી બીયર્ડમેન, સ્પેન્સર જોહ્ન્સન, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, સોની બેકર, ટોમ કુરન, એડમ મિલ્ને, બેન સીઅર્સ, બેવોન જેકોબ્સ, ડેરિલ મિશેલ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ટ્રેન્ટ બોલ્ટ, વિલિયમ ઓ'રોર્ક, એનરિચ નોર્ટજે, ગેરાલ્ડ કોટઝી, મથીશા પથિરાના, વાનિન્દુ હસરંગા, શાઈ હોપ અને શિમરોન હેટમાયરનો સમાવેશ થાય છે.

અનકેપ્ડ ખેલાડીઓમાં આર્યવીર સેહવાગ, મોહિત ઉલ્વાનો સમાવેશ

અંડર-19ના સ્ટાર્સ આર્યવીર સેહવાગ અને મોહિત ઉલ્વાએ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં પ્રવેશ કર્યો છે. ઓમાનમાં તાજેતરમાં રમાયેલા અંડર-19 એશિયા કપમાં ભારતની જીતમાં બંનેએ મોટી ભૂમિકા ભજવી હતી. પાંચ ઈનિંગ્સમાં 361થી વધુ રન બનાવવા બદલ આર્યવીરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો