સ્પોર્ટ્સ

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ : ગુકેશે પહેલી સિંદારોવ બીજી બાજી ડ્રો કરી

ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની પ્રથમ બાજીમાં ગઇકાલે મંગળવારે રાત્રે ભારતના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડી. ગુકેશે ઉઝબેકિસ્તાનના ચેલેન્જર જાવોખિર સિંદારોવ સામે ડ્રો રમ્યા પછી આજે બુધવારે બીજી બાજી પણ ડ્રો રહી હતી.

બુધવારે અહીં રમાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની બીજી ગેમ વહેલી ડ્રોમાં પરિણમી હતી, જેમાં 20 ચાલ સુધી ચાલેલા આ મુકાબલામાં બંનેમાંથી કોઈ પણ ખેલાડી બિનજરૂરી જોખમ લેવા તૈયાર નહોતા. સફેદ મહોરાં સાથે રમતા ગુકેશે 'લંડન સિસ્ટમ'થી શરૂઆત કરી હતી અને શરૂઆતની ચાલમાં બંને ખેલાડીઓએ સાવચેતીપૂર્વક રમત આગળ વધારી હતી. સિંદારોવે સાતમી ચાલમાં જ પોતાની રાણી બહાર કાઢી હતી અને ૧૦મી ચાલ સુધીમાં કિંગસાઇડ કેસલિંગ કરીને પોતાના હાથીઓને જોડી દીધા હતા.

ગઇકાલે મંગળવારે કાળા મોહરાં સાથે રમતા ગુકેશે શરૂઆતમાં થોડી સાવચેતી રાખી, પરંતુ સમય ઓછો બચ્યો હોવા છતાં તેણે શાનદાર ગણતરી કરીને સ્થિતિ સંભાળી લીધી. રુઈ લોપેઝ સામે ગુકેશે અચાનક બર્લિન ડિફેન્સ અપનાવતા શરૂઆતથી જ મનસૂબાઓની લડાઈ શરૂ થઈ હતી. રાણી વિનાની મિડલગેમમાં શરૂઆતના તબક્કે ગુકેશ થોડા દબાણમાં હતો અને સિંદારોવને પ્યાદાની બહેતર રચના તથા મોહરાંની સારી ગોઠવણીને કારણે થોડો ફાયદો મળ્યો હતો. સિંદારોવે બાજીને જટિલ બનાવવા એક પ્યાદાનું બલિદાન પણ આપ્યું, પરંતુ સમય ખૂટવા છતાં ગુકેશે સચોટ ચાલો શોધી કાઢી.

એક તબક્કે ગુકેશ બાજી પલટી શકે તેમ લાગતું હતું, પરંતુ સિંદારોવે સમયસર સ્થિતિનું પુનરાવર્તન કરીને બાજી હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખ્યું. સામાન્ય રીતે ત્રણ વખત સ્થિતિનું પુનરાવર્તન થાય ત્યારે ડ્રોનો દાવો કરી શકાય છે, પરંતુ રસપ્રદ રીતે આ બાજીમાં પાંચ વખત સ્થિતિનું પુનરાવર્તન થયા બાદ બંને ખેલાડીઓ ડ્રો માટે સંમત થયા.

કુલ 14 બાજી રમાશે અને સૌથી પહેલા 7.5 પોઇન્ટ મેળવનાર વિજેતા બનશે

આ ચેમ્પિયનશિપ કુલ 14 બાજીઓની રમાશે અને સૌથી પહેલા 7.5 પોઈન્ટ મેળવનાર ખેલાડી વિજેતા બનશે. 14 બાજી બાદ પરિણામ ટાઈ રહે તો વિજેતા નક્કી કરવા ટૂંકા સમયની બાજીઓ રમાશે. ટાઈમ કંટ્રોલ હેઠળ પ્રથમ 40 ચાલ માટે 120 મિનિટ અને 41મી ચાલથી બાકીની રમત માટે પ્રતિ ચાલ 30 સેકન્ડ ઉમેરવામાં આવશે. પરસ્પર સંમતિથી ઝડપી ડ્રો કરવાની મંજૂરી નથી અને તેના માટે ઓછામાં ઓછી 40 ચાલ રમવી જરૂરી છે, જોકે ત્રણ વખત સ્થિતિનું પુનરાવર્તન થાય અથવા સ્ટેલમેટ થાય તો ડ્રો માન્ય ગણાય છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો