સંસ્કારી નગરી વડોદરાના હૃદયસમા કમાટીબાગમાં શહેરીજનો અને પર્યટકો માટે એક અનોખો અને આકર્ષક મગરમચ્છ બ્રિજ તૈયાર થવા જઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજની ડિઝાઈન હાલ ફાઈનલ કરી દેવામાં આવી છે. આ બ્રિજની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે તેની સમગ્ર રચના મગરમચ્છના આકારમાં કરવામાં આવશે, જેના કારણે દૂરથી જોતા તે એક વિશાળ મગરમચ્છ જેવો દેખાશે.
આ પ્રોજેક્ટ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિજને અત્યંત મજબૂત અને ટકાઉ બનાવવા માટે આશરે ૨૭૦ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. તેની ક્ષમતા એવી રાખવામાં આવશે કે બ્રિજ ઉપર એકસાથે ૨૦૦ જેટલા લોકો આસાનીથી ઊભા રહી શકે. કમાટીબાગમાં આવતા મુલાકાતીઓ અને પર્યટકોને નવી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ બ્રિજ પર વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક તેમજ વ્યુઈંગ ગેલેરી જેવા આકર્ષણો પણ ઊભા કરવામાં આવશે. પર્યટકો આ તમામ સુવિધાઓનો લાભ લઈ શકે તે રીતે સમગ્ર આયોજન ઘડવામાં આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે રૂ. ૧૨ કરોડ ૯૦ લાખનો ખર્ચ કરવામાં આવશે. હાલ બ્રિજની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ સ્થળ પર કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કમાટીબાગમાં બનનારો આ વિશાળ મગરમચ્છ આકારનો બ્રિજ પૂર્ણ થયા બાદ શહેરના પર્યટકો માટે નવું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.