મારો જિલ્લો

લીમખેડાની મોર્ડન સ્કૂલમાંથી રાત્રિના અંધારામાં ભંગાર અને ફર્નિચર સગેવગે

લીમખેડા નગરમાં આવેલી જાણીતી મોર્ડન સ્કૂલના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય ગોપી પટેલ દ્વારા મોડી રાત્રિના સમયે શાળામાં રહેલું ભંગાર ફર્નિચર, પસ્તી અને અન્ય બિનઉપયોગી વસ્તુઓ કોઈપણ જાહેર હરાજી કે સરકારી નિયમો મુજબની પ્રક્રિયા કર્યા વગર બારોબાર વેચી મારવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. રાત્રિના અંધારામાં 2 જેટલી ગાડીઓ ભરીને આ તમામ સામાન શાળા સંકુલમાંથી બહાર લઈ જવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રાત્રિ દરમિયાન શાળામાંથી ભંગાર અને સામાન ગાડીઓમાં ભરવામાં આવી રહ્યો હતો, તે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના સમયે શાળાના પરિસરમાંથી સામાન ખસેડીને વાહનોમાં ભરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક જાગૃત નાગરિકો અને વાલીઓમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ જન્મી છે અને શાળાના વહીવટની પારદર્શિતા સામે આંગળી ચીંધાઈ રહી છે.

આ મામલે જ્યારે મોર્ડન સ્કૂલના આચાર્ય ગોપી પટેલનો સંપર્ક કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે શાળાનો ભંગાર અને પસ્તી વેચી દેવામાં આવી છે અને તેમાંથી થયેલી આવક શાળાના ભંડોળમાં જમા લેવામાં આવશે. જોકે, આચાર્યના આ જવાબથી સંતોષ થવાને બદલે વધુ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે સરકારી-અર્ધસરકારી મિલકતમાંથી ભંગાર કે બિનઉપયોગી સામાનનો નિકાલ કરવા માટે ચોક્કસ નિયમો અને પ્રક્રિયા નિર્ધારિત હોય છે.

અહીં સૌથી મોટો અને પાયાનો સવાલ એ ઉભો થાય છે કે શું શાળામાંથી આ પ્રકારે ભંગાર અને પસ્તી સહિતની વસ્તુઓ વેચવા માટે સરકારી નિયમો અનુસાર સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવવામાં આવી હતી કે કેમ? જો ખરેખર નિયમ મુજબ મંજૂરી મેળવી હોત અને જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરી હોત, તો દિવસના અજવાળામાં સૌની હાજરીમાં આ કાર્યવાહી થઈ શકી હોત. પરંતુ, દિવસને બદલે મોડી રાત્રે આ રીતે ચોરીછૂપીથી 2 ગાડીઓ ભરીને સામાન સગેવગે કરવાની જરૂર શા માટે પડી, તે એક મોટો રહસ્યમય અને તપાસનો વિષય બન્યો છે.

સ્થાનિક સૂત્રો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, જો આ સમગ્ર કૌભાંડની સત્યતા બહાર લાવવી હોય તો શાળામાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને તારીખ 23/11/2026 ના રોજ સાંજે 7:00 વાગ્યા પછીના તમામ CCTV ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે તો કયા સમયે, કયા વાહનોમાં અને કેટલો સામાન શાળામાંથી બહાર લઈ જવામાં આવ્યો તેની તમામ હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.

હાલમાં સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શાળાની રૂબરૂ મુલાકાત લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા શાળાના CCTV કેમેરાના રેકોર્ડિંગ કબજે કરીને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને જો આ પ્રકરણમાં નિયમોનું ઉલ્લંઘન કરીને આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવે, તો જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો