મારું શહેર

સયાજીબાગમાં હિપ્પોના પોન્ડ નજીક પર્યટકો પહોંચ્યા, સુરક્ષા એજન્સીને નોટિસ

વડોદરા: શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હિપોપોટેમસના તળાવ પાસે પર્યટકોએ સુરક્ષા જાળીથી સાત ફૂટ દૂર રહેવાના નિયમનો ભંગ કરીને સીધા પોન્ડની દિવાલ સુધી પહોંચી ગયા હતા, જેના કારણે હિપ્પો અને સહેલાણીઓ વચ્ચે માત્ર બે ફૂટ જેટલું જ જોખમી અંતર રહી ગયું હતું. પ્રતિબંધિત વિસ્તારમાં સહેલાણીઓ કોઈ રોકટોક વિના કેવી રીતે પહોંચી ગયા અને તે સમયે સુરક્ષા કર્મચારીઓ ક્યાં હતા તે અંગે ભારે વિવાદ સર્જાયો છે.

​આ ઘટના એટલા માટે વધુ ચિંતાજનક બની છે કારણ કે અગાઉ આ જ સ્થળે હિપોપોટેમસે હુમલો કરતાં એક સુરક્ષા ગાર્ડનું મોત નીપજ્યું હતું, જ્યારે ઝૂ ક્યુરેટર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આટલી મોટી અને જીવલેણ દુર્ઘટના છતાં પર્યટકો હિપ્પોની આટલી નજીક પહોંચી જાય તે સ્થાનિક સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થાની ઢીલી નીતિ દર્શાવે છે. ઝૂ પરિસરમાં પ્રાણીઓને ખવડાવવા કે તેમને હેરાન કરવા પર સખત પ્રતિબંધ હોવા છતાં કેટલાક સહેલાણીઓ હિપ્પોને કંઈક ખવડાવતા હોવાની બાબત પણ ધ્યાને આવી છે, જે પ્રાણીઓના સ્વાસ્થ્ય અને પર્યટકોની સુરક્ષા બંને માટે જોખમી છે.

​સમગ્ર મામલે ઝૂના અધિકારી પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, ઘટના સમયે નિર્ધારિત સુરક્ષા પોઇન્ટ પર સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો, જેના કારણે સહેલાણીઓને પ્રતિબંધિત વિસ્તારમાં જતા અટકાવી શકાયા નહોતા. જોકે, સ્ટાફને આ અંગે જાણ થતાં જ સહેલાણીઓને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે સહેલાણીઓના વલણ અંગે પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નિયમોનું પાલન ન કરવું એ દુઃખદ અને ગંભીર બાબત છે.

​વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, થોડા દિવસ અગાઉ પણ બે યુવકો દીપડાના પાંજરા પાસે પહોંચી ગયા હતા, ત્યારે તેમની પાસેથી દંડ વસૂલીને માફીપત્ર લખાવવામાં આવ્યું હતું. જ્યારે હિપ્પોના પોન્ડ પાસે બનેલી આ તાજેતરની ઘટનામાં ફરજ પર ગેરહાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની કચેરીમાં કપલ ફોટોશૂટની ઘટનામાં પાંચ લાખ રૂપિયા દંડ વસૂલવા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. આ બંને બનાવોમાં પેન્થર સિક્યુરિટી એજન્સીની બેદરકારી અને જવાબદારી સામે આવતાં સુરક્ષા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો