મારો જિલ્લો

વલસાડમાં રિયલ એસ્ટેટનો નવો ટ્રેન્ડ: હવે રિડેવલપમેન્ટનો સમય

વલસાડ શહેરનું રિયલ એસ્ટેટ બજાર છેલ્લાં ઘણાં વર્ષોથી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું હતું. નવા પ્રોજેક્ટ ઓછા આવતા હતા અને ખરીદદારોનો ઉત્સાહ પણ ઠંડો હતો. પરંતુ હવે તિથલ રોડ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં રીડવલપમેન્ટના પ્રોજેક્ટ લોન્ચ થયા છે અને બુકિંગ પણ શરૂ થઈ ગયાં છે. તેના કારણે બિલ્ડરો અને ખરીદદારો બંનેમાં આશાનું વાતાવરણ જોવા મળે છે કે વલસાડનું રિયલ એસ્ટેટ બજાર ફરી બેઠું થશે.

તિથલ રોડને વલસાડનો સૌથી પૉશ વિસ્તાર ગણવામાં આવે છે. અહીં હાલમાં બે-ત્રણ નવા પ્રોજેક્ટ આવ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ વિસ્તારમાં ખાલી જમીન બહુ ઓછી બચી છે. અહીંના મોટા ભાગના એપાર્ટમેન્ટ ઓછામાં ઓછાં ત્રીસ વર્ષ, એટલે કે ત્રણ દાયકા જૂનાં છે. નવી જમીન મળતી નથી, એટલે બિલ્ડરોની નજર હવે જૂની ઇમારતોના રિડેવલપમેન્ટ તરફ વળી રહી છે.

વલસાડની ઘણી જાણીતી અને નામાંકિત ઇમારતો હવે જૂની થઈ ગઈ છે. એક સમયે શહેરની શાન ગણાતી યશ કમલ બિલ્ડિંગ અને મહાલક્ષ્મી ટાવર જેવી ઇમારતો આજે દાયકાઓ જૂની થઈ ચૂકી છે. આવી અનેક ઇમારતો ત્રીસ વર્ષથી વધુ જૂની છે અને તેમને નવો ઓપ આપવાની જરૂર ઊભી થઈ છે.

જૂના વલસાડમાં પણ બદલાતું દૃશ્ય

ફક્ત તિથલ રોડ જ નહીં, જૂના વલસાડના છીપવાડ, એમ.જી. રોડ અને વી.પી. રોડ જેવા વિસ્તારોમાં પણ ચિત્ર બદલાઈ રહ્યું છે. અહીં જૂનાં મકાનો અને દુકાનો તોડીને તેની જગ્યાએ નવી બિલ્ડિંગો ઊભી થઈ રહી છે. શહેરની મધ્યમાં આવેલા આ વિસ્તારોમાં જગ્યા મર્યાદિત છે, એટલે નવી જમીન શોધવાને બદલે જૂની મિલકતનો નવેસરથી વિકાસ કરવો બિલ્ડરો માટે વધુ વ્યવહારુ સાબિત થઈ રહ્યો છે.

બજારના જાણકારોના અંદાજ પ્રમાણે વલસાડની લગભગ 80 ટકા ઇમારતો, પછી તે નાનાં મકાન હોય કે એપાર્ટમેન્ટ, ઓછામાં ઓછી 20 થી 30 વર્ષ જૂની છે. એટલું જ નહીં, લગભગ 50 ટકા ઇમારતો તો 40 વર્ષ જૂની હોવાનું મનાય છે. આટલા મોટા પ્રમાણમાં જૂનું બાંધકામ હોય ત્યારે રિડેવલપમેન્ટની સંભાવના આપોઆપ વધી જાય છે.

બોકસ

આગળનો રસ્તો: રિડેવલપમેન્ટ
સ્પષ્ટ છે કે વલસાડના રિયલ એસ્ટેટનો આગામી તબક્કો રિડેવલપમેન્ટનો રહેશે. નવી જમીનની અછત, જૂની ઇમારતોની વધતી ઉંમર અને નવા પ્રોજેક્ટમાં ખરીદદારોનો રસ, આ ત્રણેય બાબતો એ તરફ ઇશારો કરે છે. જોકે નવા પ્રોજેક્ટથી આખું બજાર એકદમ તેજીમાં આવી જશે એમ માનવું ઉતાવળ ગણાશે. જગ્યા મર્યાદિત હોવાથી વલસાડનો વિકાસ હવે નવા વિસ્તારો કરતાં જૂના વિસ્તારોના નવનિર્માણ પર વધુ આધાર રાખશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો